ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 2 લાખની સહાય

April 02, 2025

બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ ગુજરાતની આજની સૌથી મોટી દુર્ઘટના બની રહી છે. આ આગમાં 20 લોકોના મોત થયા છે, ત્યારે ડિસા ફેક્ટરી આગમાં મૃતકના પરિવારને સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને અને ઈજાગ્રસ્તોને સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ડીસા બ્લાસ્ટ કેસમાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે અને આ સિવાય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે રૂપિયા 50,000ની સહાય કરવાની જાહેરાત PMO દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે.

ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે.