શપથ ગ્રહણ સમારોહ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે નીતા અંબાણી અને મુકેશ અંબાણી સાથે કરી મુલાકાત

January 19, 2025

દિલ્હી :ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે વિશ્વના અનેક અગ્રણી રાજકારણીઓ અને બિઝનેસમેન વૉશિંગ્ટન પહોંચ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પણ વૉશિંગ્ટન પહોંચી ચૂક્યા છે. ત્યારે શપથ ગ્રહણ સમારોહ પહેલા આજે (19 જાન્યુઆરી, 2025) અમેરિકામાં ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંબાણી પરિવારે હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ ખાસ પ્રસંગે કોર્પોરેટ જગતની વૈશ્વિક હસ્તીઓ સહિત અનેક નેતાઓ તેમજ ટ્રમ્પ કેબિનેટના નોમિનેટ સભ્યો હાજર રહ્યા હતા. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ કેન્ડલ લાઈટ ડિનરમાં હાજરી આપી હતી. આ સમયે બંને ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળ્યા હતા. જેની તસવીર પણ સામે આવી છે. ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા યોજાયેલા કેન્ડલ લાઈટ ડિનરમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી ઉપસ્થિત રહ્યા, જે સમારોહમાં સૌથી ખાસ માનવામાં આવી રહ્યા છે. આ પ્રસંગે નવા ચૂંટાયેલા ઉપ પ્રમુખ જે.ડી. વેન્સ અને તેમના ભારતીય મૂળના પત્ની ઉષા વેન્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.