'જમ્મુ-કાશ્મીર ન જશો, સુરક્ષાને જોખમ છે...' વિવાદ વચ્ચે કેનેડાએ નાગરિકો માટે જાહેર કરી 'એડવાઈઝરી'

September 20, 2023

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે. ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની સાથે જ અપડેટેડ એડવાઈઝરીમાં કેનેડા તરફથી જણાવાયું છે કે અમારા દેશના નાગરિકોને સુચિત કરવામાં આવે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લે. કેમ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે.  કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી હતી જ્યારે વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ નિજ્જરની હત્યા મામલે ભારતના એજન્ટોની ભૂમિકા હોવાની વાત કહી છે. સાથે જ ભારતીય રાજદ્વારીને દેશમાંથી બરતરફ કરી દીધા છે. કેનેડાની એ ઉશ્કેરણીનો ભારતે પણ સજ્જડ જવાબ આપ્યો છે અને આરોપોને વાહિયાત ગણાવ્યાં છે. સાથે જ કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બરતરફ કરી દીધા છે.