ડ્રગ્સ પકડવામાં 'ડ્રગ્સ રીવોર્ડ પોલિસી' ખૂબ મહત્વની સાબિત થઈ- હર્ષ સંધવી

September 21, 2022

ગાંધીનગર: ગુજરાતમાં ડ્રગ્સ પકડવામાં 'ડ્રગ્સ રીવોર્ડ પોલિસી' ખૂબ મહત્વની સાબિત થઈ છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંધવીએ વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે આ ઉડતું નહિ, પણ ડ્રગ્સ પકડતું ગુજરાત છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું નથી, પણ ગુજરાત પોલીસની સતર્કતાથી ગુજરાતમાં ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં છેલ્લા એક વર્ષમાં રૂ. 6,500 કરોડના ડ્રગ્સ સાથે 750 ગુનેગારોને જેલના હવાલે કરવામાં આવ્યાં છે. એટલું જ નહિ પણ તેમાંથી એક પણ ગુનેગારને આજ સુધી જામીન મળ્યા નથી. 
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ પકડવા માટે અમલમાં મૂકાયેલી ઐતિહાસિક 'ડ્રગ્સ રીવોર્ડ પોલિસી'ની ભૂમિકા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. એમ જણાવી હર્ષ સંધવીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાત-દિવસ જીવના જોખમે ફરજ બજાવીને ડ્રગ્સ પકડતી ગુજરાત પોલીસનું મનોબળ તોડવાનું કોંગ્રેસ બંધ કરે. રાજ્યના યુવા ધનના હિતમાં ચાલી રહેલા ગુજરાત પોલીસના ડ્રગ્સ નાબૂદી અભિયાન વિરુદ્ધ કોંગ્રેસે રાજનીતિ ન કરવી જોઈએ.

 
એટલું જ નહિ, ગુજરાત પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને ભારત-પાકિસ્તાન બોર્ડર, મહારાષ્ટ્ર, પંજાબ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને દિલ્હી જેવા રાજ્યોમાંથી ડ્રગ્સ અને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. વિવિધ રાજ્યોમાંથી પકડાયેલા ડ્રગ્સના તાર પંજાબની જેલ સુ઼ધી જાય છે. 

હર્ષ સંધવીએ ગૃહને આહવાન કર્યું હતું કે, ડ્રગ્સ સામેનો આ જંગ સૌ સાથે મળીને જીતવાનો છે અને ભાવિ પેઢીનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું છે. પશ્ચિમી દેશોમાં ડ્રગ્સનું સેવન એ ફેશન સ્ટેટસ બની ગયું છે. ગુજરાના યુવાનોમાં આ દૂષણ ન ફેલાય તે જોવાનું કામ આપણા સૌનું છે.