અમદાવાદમાં ઐતિહાસિક જૈન દીક્ષાનો મહા મહોત્સવ, ૩૫ મુમુક્ષુએ સંસાર ત્યજીને ભગવાન શ્રી મહાવીરનો વેશ અંગીકાર કર્યો

April 22, 2024

અમદાવાદ : અમદાવાદ શહેરના પાંચસો વર્ષના ઈતિહાસમાં પહેલી વખત એક જ મંડપ હેઠળ 35 જૈન દીક્ષાનો મહા મહોત્સવ યોજાયો. આ સમગ્ર કાર્યક્રમ દીક્ષાના મહા નાયક પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજય યોગતિલક સૂરીશ્વરજી મહારાજાના પવિત્ર હાથે સંપન્ન થયો હતો. સાબરમતી રિવર ફ્રન્ટ પર આશરે ત્રણ લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ કરાયેલી ભવ્ય અધ્યાત્મ નગરીમાં વહેલી સવારે 5:30 કલાકે દીક્ષાની મંગળ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન 30 હજારની ક્ષમતા ધરાવતો મુખ્ય મંડપ હકડેઠઠ ભરાઈ ગયો હતો.

15 આચાર્ય ભગવંતો તેમજ 400 જૈન સાધુ-સાધ્વીજીની છત્રછાયામાં સવારે 7:35 કલાકે 35 મુમુક્ષુને સાધુજીવનના પ્રતીક સમાન ઓઘો અર્પણ કરવાની વિધિ શરૂ કરાઈ હતી. ત્યાર પછી 25 મિનિટમાં પૂજ્ય આચાર્ય ભગવંતોના હસ્તે 35 મુમુક્ષુને ઓઘો અર્પણ કરાયો હતો. તેમાં 15 ભાઈ અને 20 બહેન સામેલ હતા. દીક્ષાર્થીઓના હાથમાં ઓઘો આવ્યા પછી તેમણે પરમાત્માને વંદન સાથે ત્રણ પ્રદક્ષિણા કરીને મન મૂકીને આનંદ વ્યક્ત કર્યો હતો.

ઓઘો અર્પણવિધિ પૂર્ણ થયા પછી મુમુક્ષુઓ તેમના જીવનનું અંતિમ સ્નાન કરીને સાધુ-સાધ્વીજીનો વેશ અંગીકાર કરવા ગયા હતા. ત્યાર પછી થોડી જ વારમાં તેઓ સંસારી વાઘા ઊતારીને સાધુજીવનનાં શુભ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્ટેજ પર આવ્યા હતા. એ શુભ મૂહુર્તમાં લોચની વિધિ કરાઈ હતી. આ સાથે જ 35 મુમુક્ષુના સંસારી નામ રદ કરીને સાધુ જીવનનાં નૂતન નામો આપવામાં આવ્યાં હતાં.

જૈનોના પાટનગર ગણાતા અમદાવાદમાં 35 દીક્ષાના મહોત્સવનો 18 એપ્રિલે ગુરુ ભગવંતોના ભવ્ય સામૈયાં સાથે પ્રારંભ કરાયો હતો. ત્યાર પછી 21 એપ્રિલે મુમુક્ષુઓની વર્ષીદાન યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા બાદ મુમુક્ષુઓને સાધુ જીવન માટે ઉપયોગી વિવિધ ઉપકરણો વહોરાવવાની કરોડો રૂપિયાની ઉછામણી બોલવામાં આવી હતી.

આ દરમિયાન 22 એપ્રિલે વહેલી સવારે 4:32 કલાકે 35 મુમુક્ષુને કપાળે વિદાય તિલક કરીને તેમના નિવાસસ્થાનેથી વિદાય અપાઈ હતી. આ પ્રસંગે એવી ભાવના રખાઈ હતી કે, તેઓ મોહરાજા સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત કરીને મોક્ષગામી બને. આ 35 મુમુક્ષુ હાથમાં શ્રીફળ લઈને દીક્ષા મંડપમાં આવ્યા પછી તેમણે સ્ટેજ પર બનાવેલા સમોવસરણમાં પરમાત્માને વંદન કરીને ત્રણ પ્રદક્ષિણા કરી હતી અને ગુરુ ભગવંતોને વિધિસર વંદન કર્યા હતા.