વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? સંકલન સમિતિ સામે ઉઠ્યા સવાલ

April 30, 2024

જૂનાગઢ- પરશોત્તમ રૂપાલાના એક નિવેદનથી શરૂ થયેલો વિવાદ અસ્મિતાની લડાઈ બની ગયો. ક્ષત્રિયોએ ભાજપ સામે આકરો વિરોધ શરૂ કર્યો. ગામ ગામ ભાજપની સભાઓ અને કાર્યક્રમોમાં ક્ષત્રિય સમાજના યુવાઓ વિરોધ કરે છે. વિરોધના આ વંટોલ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ભાવનગરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા મહારાજાઓ પર વિવાદીત નિવેદન આપ્યું પરંતુ ક્ષત્રિયોની સંકલન સમિતિએ ખુલ્લીને રાહુલ અને ઉમેશ મકવાણાનો વિરોધ ન કર્યો. વિરોધ માત્ર ભાજપ પુરતો જ સમિત રાખ્યો. જેના કારણે સંકલન સમિતિ સામે હવે ક્ષત્રિયોમાં જ અંદરો અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. રૂપાલા સામે આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે સમાજને ગુમરાહ કરવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. 
રૂપાલાના નિવેદન પછી ક્ષત્રિયોમાં એક્તાના દર્શન થયા હતા. એવું લાગતું હતું કે આખો ક્ષત્રિય સમાજ એક થઈ ગયો છે. પરંતુ ત્યારપછી રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણાનું જે નિવેદન આવ્યું. અને આ નિવેદન પર સંકલન સમિતિએ કોઈ સ્ટેન્ડ ન લીધું તેના કારણે સંકલન સમિતિ કોંગ્રેસનો હાથો બનીને કામ કરતી હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. અને આક્ષેપ ખુદ ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ લગાવ્યો છે.  પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિના આગેવાનો પર ટિકિટ લેવા માટે સમાજને ગુમરાહ કર્યાનો આરોપ લગાવ્યો છે. સાથે ભાજપનું સમર્થન કરતાં સંકલન સમિતિ સામે સવાલ ઉઠાવ્યો કે વિરોધ રૂપાલા હોવો જોઈએ, આખા ભાજપનો કેમ? પદ્મિનીબાના સંકલન સમિતિ સામે આવેલા આક્રમક નિવેદનથી ગુજરાતનો રાજકીય માહોલ ગરમાઈ ગયો છે.