આઈએમએફ અને ક્રિસિલ જેવી રેટિંગ એજન્સીઓએ ભારતના અર્થતંત્રની પ્રશંસા કરી

May 21, 2024

દેશમાં હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે અર્થતંત્રને લઈને એક સારા સમાચાર આવ્યા છે. વિવિધ રેટિંગ એજન્સીઓએ ભારતના વખાણ કર્યા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF), યુનાઈટેડ નેશન્સ અને રેટિંગ એજન્સી (ક્રિસિલ) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા પણ ભારતની અર્થવ્યવસ્થા જે ગતિએ આગળ વધી રહી છે તેની પ્રશંસા કરવામાં આવી રહી છે.

દેશના જીડીપી વૃદ્ધિ દરને જોતા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અંદાજ છે કે 2050માં ભારત વિશ્વ પર રાજ કરશે. ભારતની સાથે ચીન અને અમેરિકા પણ હશે અને આ ત્રણેય વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. એક તરફ ચીન અને ભારતની અર્થવ્યવસ્થા વધશે તો બીજી તરફ અમેરિકાની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળશે અને તે પ્રથમથી ત્રીજા સ્થાને સરકી જશે.

કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ અનુસાર, વિશ્વની સૌથી મોટી મહાસત્તા તરીકે અમેરિકાનો તાજ 2032માં જ ચીન પોતાના હાથમાં લેશે. લગભગ એક સદી સુધી નંબર વન પર રહ્યા બાદ તે નીચે આવશે. કાર્નેગી એમ પણ કહે છે કે જો ભારત અને ચીન અમેરિકાને પછાડે તો પણ તેની તાકાત બંને દેશો કરતાં અનેક ગણી વધારે હશે.