માલદીવમાં ભારતીયો સાથે મારામારી, બે લોકો ઘાયલ, એકની અટકાયત

May 01, 2024

માલદીવની રાજધાની માલે પાસે ભારતીય નાગરિકો સાથે મારામારીની ઘટના સામે આવી છે. સ્થાનિક નાગરિકો અને ભારતીય લોકોના એક જૂથ વચ્ચે ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના માલેથી આશરે સાત કિલોમીટર ઉત્તર પૂર્વમાં હુલહુમાલેના સેન્ટ્રલ પાર્કમાં બની હતી. રાત્રે નવ વાગ્યે બે જૂથ વચ્ચે ઝપાઝપી થઈ હતી. માલદીવથી મળતી માહિતી અનુસાર એક માલદીવના નાગરિકને પોલીસે અટકાયત કરી હતી. જો કે પોલીસે એ વાતનો ખુલાસો નથી કર્યો કે ઝપાઝપીમાં ઈજાગ્રસ્ત વ્યકિત કયા દેશનો છે.

મળતી માહિતી અનુસાર, પોલીસે કહ્યું કે એક પાર્કની અંદર માલદીવિયન અને ભારતીયોના જૂથ વચ્ચે અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. ગંભીર ઈજાગ્રસ્ત બે લોકોને હુલહુમાલે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બાદમાં તેને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. માલદીવમાં ભારતીય હાઈ કમિશન કે માલદીવ સરકારે હજુ સુધી બંને દેશોના નાગરિકો વચ્ચેની અથડામણ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી.

ચીનની નજીક ગણાતા માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુએ ગયા વર્ષે સત્તા સંભાળી ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. સત્તામાં આવ્યા પછી તેમણે કરેલા પ્રથમ વચનો પૈકી એક માલદીવની વિશાળ દરિયાઈ સરહદ પર પેટ્રોલિંગ કરવા માટે તૈનાત ભારતીય સુરક્ષા કર્મચારીઓને બહાર કાઢવાનો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં માલદીવના કેટલાક મંત્રીઓ, જેમાં ડેપ્યુટી મિનિસ્ટર સહિત પીએમ મોદી વિરુદ્ધ જાતિવાદી ટીપ્પણીઓ કરવામાં આવી હતી તેના પર થયેલા વિવાદ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા.