યામી ગૌતમ પુત્ર સંતાનની માતા બની, વેદાવિદ નામ આપ્યું

May 21, 2024

મુંબઈ : યામી ગૌતમે એક પુત્ર સંતાનને જન્મ આપ્યો છે. તેણે દીકરાનું નામ વેદાવિદ રાખ્યું છે. આ નામ ભારતીય અધ્યાત્મ અને પવિત્ર ગ્રંથો સાથે સંકળાયેલું છે. યામી ગૌતમ તથા તેના પતિ આદિત્ય ધરે સોશિયલ મીડિયા પર કરેલી જાહેરાત અનુસાર ગઈ તા. ૧૦મી મેના રોજ એટલે કે અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે યામી માતા બની હતી. તેમણે સંતાનને વેદાવિદ નામ આપ્યું છે. આ નામ જાહેર થતાં જ નેટયૂઝર્સ દ્વારા તેના અર્થ વિશે ખાંખાખોળા શરુ થઈ ગયા હતા.કેટલાક જાણકાર લોકોની કોમેન્ટસ મુજબ આ નામનો અર્થ વેદમાં પારંગત એવો થાય છે. કેટલાકના જણાવ્યા અનુસાર ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ તથા ભગવાન રામને પણ વેદાવિદ તરીકે ઓળખવામાં આવે છે. અનેક  સેલિબ્રિટીઓએ યામી તથા આદિત્યને માતાપિતા બનવા બદલ અભિનંદન પાઠવ્યાં હતાં. કેટલાય લોકોએ ભારતીય અધ્યાત્મ વારસા સાથે સંકળાયેલું નામ પસંદ કરવા બદલ યુગલને અભિનંદન પણ પાઠવ્યાં હતાં. લોકોએ જણાવ્યું હતું કે આજકાલ સેલેબ્સમાં બહુ જ ટૂંકા અને જેનો કોઈ અર્થ જ ન હોય તેવાં નામ બાળકો માટે પસંદ કરવાની ફેશન ચાલી છે તેવા સમયે યામી તથા આદિત્યએ અલગ ચીલો ચીતર્યો છે. યામી તથા આદિત્યના લગ્ન ૨૦૨૧માં થયાં હતાં. તેમની ફિલ્મ 'કાશ્મીર ફાઈલ્સ'ના ટ્રેલર લોન્ચની ઈવેન્ટ  વખતે જ યામીએ પ્રેગનન્સીની સત્તાવાર જાહેરાત કરી હતી.