જંગલમાં મોતથી ઘેરાયલા હતા રઈસી, ઈરાને માંગી મદદ પણ US ટસનું મસ ન થયું, હવે જુઓ શું કહ્યું

May 21, 2024

ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી અને વિદેશ મંત્રી સહિત નવ લોકોના હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયા છે. તેઓ અઝરબૈઝાનથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન અઝરબૈઝાનના ઝોલ્ફાની નજીક દુર્ઘટના બની, જે ઈરાનની રાજધાની તેહરાનથી 600 કિલોમીટર દૂર છે. એવામાં જયારે રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી અઝરબૈજાનના જંગલોમાં મોતથી ઘેરાયેલા હતા ત્યારે ઈરાને અમેરિકાને મદદની અપીલ કરી હતી. પરંતુ અમેરિકાએ હેલિકોપ્ટર શોધવાની મનાઈ કરી દીધી. હવે અમેરિકાએ મદદ ન કરવા પાછળનું કારણ જણાવ્યું છે કે રાયસીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ તે લોજિસ્ટિક કારણોસર (લશ્કરી કારણો) ઈરાનને મદદ કરવામાં અસમર્થ હતું. જો કે અમેરિકાએ રાયસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત એક રિપોર્ટ મુજબ ઈરાને અમેરિકા પાસે મદદ માંગી હતી, આ વાતનો ખુલાસો સ્ટેટ ડિપાર્ટમેન્ટે કર્યો હતો. મેથ્યુ મિલરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, 'અમને ઈરાન સરકાર દ્વારા મદદ માટે કહેવામાં આવ્યું હતું. અમે જે રીતે વિદેશી સરકારની વિનંતી પર જવાબ આપીએ છીએ તે રીતે અમે કહ્યું કે અમે મદદ માટે કહીશું. હું આ બાબતે વિસ્તૃત જાણકારી આપીશ નહીં. ઈરાન સરકારે અમારી મદદ માંગી હતી. પરંતુ સૈન્ય કારણોસર અમે ઈરાનને મદદ કરી શક્યા નહોતા.' મિલરે એવુ વધુમાં પણ કહ્યું હતું કે, 'અમે સ્પષ્ટ છીએ કે હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી લગભગ ચાર દાયકાઓ સુધી ઈરાની લોકોના જુલમમાં ક્રૂર સહભાગી હતા. તેમના કાર્યકાળ દરમિયાન કેટલાક ઘણા માનવાધિકારોનું ઉલ્લંઘન થયું હતું. આમાં 1988ના ક્રૂર હત્યાકાંડનો પણ સમાવેશ થાય છે, જેમાં રાજનીતિના વિરોધમાં રાયસીએ હજારો કેદીઓને ફાંસી આપી હતી.' અમેરિકા અને ઈરાન એકબીજાના કટ્ટર દુશ્મન છે. અમેરિકા ઈરાનને કેટલી હદે દુશ્મન માને છે તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે જ્યારે ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો અને સેંકડો રોકેટ અને મિસાઈલો છોડ્યા ત્યારે અમેરિકાએ ઈઝરાયેલને મદદ કરી હતી. આ ઉપરાંત અમેરિકા ઈરાન પર દાયકાઓથી પ્રતિબંધો લાદી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકાએ ઈરાનને મદદ કેમ ન કરી તે સમજવા સરળ છે.