શું દિલ્હી, ગુજરાત, ગોવા, પંજાબના લોકો પાકિસ્તાની છે? કેજરીવાલે ગૃહમંત્રીને આપ્યો વળતો જવાબ

May 21, 2024

લોકસભા ચૂંટણીના ધમધોકાટ વચ્ચે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે AAPના કાર્યકર્તાઓ પાકિસ્તાની હોવાના અમિત શાહના નિવેદનનો વળતો જવાબ આપી કહ્યું કે, શું દિલ્હી, ગુજરાત, ગોવા, પંજાબના લોકો પાકિસ્તાની છે? તેમણે દાવો કર્યો છે કે, ચાર જૂને ઈન્ડિયા ગઠબંધનની સરકાર જ જીતશે.

કેજરીવાલે દાવો કર્યો છે કે, ‘લોકસભા ચૂંટણીમાં પાંચ તબક્કાનું મતદાન સમાપ્ત થયું છે. અત્યાર સુધીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ચાર જૂને મોદી સરકાર જઈ રહી છે અને ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance)ની સરકાર આવી રહી છે. ઘણા લોકોએ સર્વે કર્યો છે અને તેમાં જાણવા મળ્યું છે કે, ઈન્ડિયા ગઠબંધન 300થી વધુ બેઠકો જીતશે.’

અમિત શાહના નિવેદનનો વળતો જવાબ આપી કેજરીવાલે પ્રશ્ન કર્યો કે, ‘શું દેશના લોકો પાકિસ્તાની છે. કાલે ગૃહમંત્રી અમિત શાહ દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમણે પ્રજાને અપશબ્દો કહ્યા. તેમણે કહ્યું કે, આપના સમર્થક પાકિસ્તાની છે. મારો પ્રશ્ન છે કે, દિલ્હીના લોકોએ અમને 56 ટકા મત આપી 62 બેઠકો જીતાડી, શું દિલ્હીના લોકો પાકિસ્તાની છે? પંજાબના લોકોએ અમને 117માંથી 92 બેઠકો જીતાડી, શું પંજાબના લોકો પાકિસ્તાની છે? ગુજરાતના લોકોએ અમને 14 ટકા મત આપ્યા, તો શું ત્યાં લોકો પણ પાકિસ્તાની છે? ગોવાના લોકોએ અમને પ્રેમ આપ્યો તો શું ત્યાં લોકો પણ પાકિસ્તાની છે?’


દિલ્હીના મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘ઉત્તર પ્રદેશ, આસામ, મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોની પંચાયતની અને નગર નિગમની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને સમર્થન મળ્યું છે. તેઓએ અમારા મેયર, પંચ અને સરપંચને ચૂંટ્યા છે. તો શું દેશના તમામ લોકો પાકિસ્તાની છે?’

કેજરીવાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘ગઇકાલે યોગી આદિત્યનાથે મને અપશબ્દો કહ્યા. મારે તેમને કહેવું છે કે, મને અપશબ્દો કહી શું થશે. તમારા અસલી દુશ્મનો તો તમારી પાર્ટીમાં બેઠા છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહે તમને મુખ્યમંત્રીની ખુરશી પરથી હટાવવાની યોજના બનાવી છે.’