પૂર્વ લંડનમાં તલવારધારીનો આતંક : 13 વર્ષીય બાળકની હત્યા, અનેક ઘવાયા

May 01, 2024

બ્રિટનમાં પૂર્વ લંડનમાં ટયૂબ સ્ટેશનની પાસે એક 36 વર્ષના યુવકે મંગળવારે બે પોલીસ અધિકારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકો પર ધારદાર તલવારતી હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘવાયેલા એક 13 વર્ષનાં બાળકનું મૃત્યું થયું છે તેમ જણાવતાં મેટ્રોપોલિટન પોલીસે ઉમેર્યું હતું કે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસે એ બાબત પણ સ્પષ્ટ કરી હતી કે આ કોઈ આતંકવાદી હુમલાને સંબંધિત ઘટના જણાતી નથી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ બે પોલીસ કર્મચારીઓ સહિત પાંચ લોકોને તલવાર ભોંકી દીધી હતી. ઘાયલોની લેટેસ્ટ સ્થિતિના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

ઘટનાની જાણકારી મળતાં જ તંત્ર દ્વારા પોલીસ સહિતની તમામ ઇમર્જન્સી સર્વિસિસને લંડનના હેનોલ્ટમાં હાજર કરી દેવામાં આવી છે. આ વિસ્તારના થુરલો ગાર્ડન ક્ષેત્રના એક ઘરમાં એક વાહન ઘૂસી જવાની ઘટના પર પોલીસને સ્થાનિક સમય અનુસાર સવારે સાત કલાકે બોલાવવામાં આવી હતી. આ પછી તરત જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ ગયો હતો જેમાં એક દાઢી ધરાવતો યુવાન હેનોલ્ટ વિસ્તારમાં તલવારની સાથે ફરતો દેખાતો હતો.