અક્ષયનું કમનસીબઃ સરફિરા સાથે કમલ હાસનનની ઈન્ડિયન ટૂ ટકરાશે

May 21, 2024

મુંબઈ : છેલ્લા કેટલાય સમયથી  બોક્સ ઓફિસ પર એક પછી એક ફિલ્મોના ધબડકાને કારણે ફલોપ  કલાકારોની કેટેગરીમાં આવી ગયેલા અક્ષય કુમારનું નસીબ બે ડગલાં આગળ જ ચાલતું હોય તેમ તેની 'સરફિરા' ફિલ્મ રીલિઝ થવાના દિવસે જ કમલ હાસનની 'ઈન્ડિયન ટૂ' રીલિઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અક્ષયે પોતાની ફિલ્મ માટે ૧૨મી જુલાઈની અનુકૂળ તારીખ શોધી હતી. તેની ગણતરી એવી હતી કે તેને સોલો રીલિઝનો લાભ મળે. સામે કોઈ મોટી ફિલ્મ ન હોય તો મહત્તમ સ્ક્રિન પણ મળે અને વિકલ્પના અભાવે લોકો તેની ફિલ્મ જોવા પણ આવે. પરંતુ, કમલ હાસનની 'ઈન્ડિયન ટૂ' એવી ફિલ્મ છે જેની કમલના ચાહકો બહુ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. છેક ૧૯૯૬માં રજૂ થયેલો  આ ફિલ્મનો પહેલો ભાગ પણ સુપરહિટ થયો હતો અને તેથી ૨૮ વર્ષ પછી રજૂ થઈ રહેલા  બીજા ભાગ માટે લોકોેને વધુ ઈંતેજારી છે. અક્ષય કુમારની 'સરફિરા' પણ ઓરિજિનલ ફિલ્મ નથી પરંતુ તમિલની હિટ ફિલ્મ 'સૂરારાઈ પોટ્ટરુ'ની રીમકે જ છે. તેમાં તમિલ સ્ટાર સૂર્યાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને સાઉથની ફિલ્મોના અઠંગ ચાહકો ક્યારનીય  ઓટીટી પર જોઈ ચૂક્યા છે. આ જ દિવસે જ્હોન અબ્રાહમની 'વેદા' રીલિઝ થવાની છે. અક્ષય કુમાર એક સમયે નાના ટાઉનના સ્મોલ સ્ક્રીન થિયેટર્સનો બાદશાહ ગણાતો હતો. પરંતુ, તેની આ ટેરિટેરીમાં જ્હોન અબ્રાહમે પણ ભાગ પડાવ્યો છે. આથી, આ થિયેટર્સનો બિઝનેસ બંને કલાકારો વચ્ચે વહેંચાઈ જશે.