ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરો, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટની માગ

May 21, 2024

ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)ના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને સોમવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતનયાહુ સહિત ઇઝરાયલ અને હમાસના નેતાઓ માટે સાત મહિનાના યુદ્ધ દરમિયાન તેમના કૃત્યોના સંબધમાં ધરપકડ વોરન્ટની માગ કરી છે.  આ અગાઉ આઇસીસીએ પુતિન સામે પણ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને પગલે આ વોરન્ટ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. જે પછી કેટલાક દેશોએ જાહેરાત કરી હતી કે જો પુતિન તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. કરીમ ખાને જણાવ્યું છે કે તેમનું માનવું છે કે નેતનયાહુ તેમના સંરક્ષણ પ્રધાન યોવ ગેલેંટ તથા હમાસના ત્રણ નેતા યેહ્યા સિનવાર, મોહંમદ દીફ અને ઇસ્માઇલ હનિયેહ ગાઝા પટ્ટી અને ઇઝરાયલમાં યુદ્ધ અપરાધો અને માનવતાની વિરુદ્ધ અપરાધો માટે જવાબદાર છે.
ઇઝરાયલ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સભ્ય ન હોવાથી ધરપકડ વોરન્ટ ઇશ્યુ થશે તો પણ નેતનયાહુ અને ગેલેંટ સામે તાત્કાલિક કાર્યવાહીનું કોઇ જોખમ નથી. ૅજો કે ખાનની માગને કારણે ઇઝરાયલ નેતાઓની વિદેશ યાત્રા અંગે સમસ્યા ઉભી થઇ શકે છે અને તેમની વિદેશ યાત્રા મુશ્કેલ બની શકે છે. આ અંગે ઇઝરાયલના વિદેશ પ્રધાન ઇઝરાયલ કાટ્ઝે જણાવ્યું છે કે મુખ્ય ફરિયાદીની ઇઝરાયલના ટોચના નેતાઓ સામે ધરપકડ વોરન્ટ ઇશ્યુ કરવાની માગ ઐતિહાસિક અપમાન છે અને તે કાયમ માટે યાદ રાખવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આવી કોઇ પણ કાર્યવાહી સામે લડવા માટે તે એક વિશેષ સમિતિની રચના કરશે અને ઇઝરાયલના નેતાઓ સામે આવા કોઇ વોરન્ટનો અમલ કરાવવામાં ન આવે તે સુનિશ્ચિત કરવા માટે વિશ્વના નેતાઓને મળશે. હમાસ આતંકવાદી ગુ્રપે આઇસીસીના ફરિયાદીની તેના નેતાઓની ધરપકડ કરવાની માગની ટીકા કરી છે. આ અંગે ઇઝરાયલના પૂર્વ સૈનિક પ્રમુખ અને યુદ્ધ કેબિનેટના સભ્ય બેની ગેંટ્ઝે ખાનની માગની કડક ટીકા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ઇઝરાયલ સૌથી કડક નૈતિક મૂલ્યોની સાથે છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે એક મજબૂત ન્યાયપાલિકા છે જે પોતાની તપાસ કરવામાં સક્ષમ છે. ધરપકડ વોરન્ટની માગ એક ઐતિહાસિક અપરાધ છે. ઇઝરાયલના વિરોધ પક્ષના નેતા યેર લેપિડ સહિતના નેતાઓએ પણ ધરપકડ વોરન્ટની માગની ટીકા કરી છે. ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબરની સવારે હમાસે ઇઝરાયલ પર ૫૦૦૦ રોકેડ છોડયા હતાં. ત્યારબાદથી બંને વચ્ચે યુદ્ધ જારી છે. ઇઝરાયલે આ હુમલાને આતંકી હુમલો ગણાવ્યો છે.  ઇઝરાયલના વડાપ્રધાન નેતનયાહુએ વચન આપ્યું છે કે જ્યાં સુધી હમાસનો સંપૂર્ણ સફાયો થશે નહીં ત્યાં સુધી તે યુદ્ધ વિરામ કરશે નહીં. ગાઝાના આરોગ્ય કર્મીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયલના હુમલાઓમાં ૩૫૦૦૦થી વધુ પેલેસ્ટાઇન નાગરિકોના મોત થયા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો છે. 80 ટકા વસ્તી વિસ્થાપિત થઇ ગઇ છે. અનેક લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. 
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ચીફ પ્રોસેક્યુટર કરીમ ખાને ઇઝરાયલના વડાપ્રધાનની ધરપકડની માગ કરી છે. મોટા ભાગના વિશ્વના નેતાઓએ આ માગની ટીકા કરી છે. આ અગાઉ ૨૦૨૩માં જ્યારે પુતિન સામે આઇસીસીએ ધરપકડ વોરન્ટ ઇશ્યુ કર્યુ હતું ત્યારે અમેરિકા સહિતના વિશ્વના નેતાઓએ તેને સમર્થન આપ્યું હતું. કેટલાક દેશોએ તો જાહેરાત પણ કરી દીધી હતી કે જો પુતિન તેમના દેશમાં આવશે તો તેમની ધરપકડ કરવામાં આવશે. હવે જ્યારે નેતનયાહુની ધરપકડની માગ કરવામાં આવી છે ત્યારે અમેરિકા સહિતના વિશ્વના મોટા ભાગના દેશો આ માગનો વિરોધ કરી રહ્યાં છે.