જીભ લપસી! સંબિત પાત્રાએ કહ્યું - ભગવાન જગન્નાથ મોદીના ભક્ત

May 21, 2024

પુરી- ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને ઓડિશાની પુરી લોકસભા બેઠકના ઉમેદવાર સંબિત પાત્રાની જીભ લપસી છે, પાત્રાએ કહ્યું, ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે. સંબિત પાત્રાનો ભગવાન જગન્નાથ અંગેનો નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે તે વિરોધ પક્ષના નિશાન પર આવી ગયા. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે મહાપ્રભુ શ્રી જગન્નાથ આ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને એક માણસના ભક્ત ગણાવવા ભગવાનનું અપમાન છે.
તેનાથી જગન્નાથના કરોડો ભક્તો અને દુનિયામાં ફેલાયેલા ઓડિશાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. ભગવાન ઓડિશાની અસ્મિતાના મહાનતમ પ્રતીક છે. મહાપ્રભુને એક માણસના ભક્ત ગણાવવા નિંદનીય છે. હું પુરીથી ભાજપના ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ નિવેદનની આકરી નિંદા કરું છું. હું ભાજપને અપીલ કરું છું કે ભગવાનને કોઈ રાજકીય વિમર્શથી અલગ રાખે. આવું કરીને તમને ઓડિશાની અસ્મિતા પર ઉંડો આઘાત કર્યો છે. તેને ઓડિશાના લોકો લાંબા સમય સુધી યાદ રાખશે અને તેની નિંદા કરશે.