ચંદ્રશેખર જી તમે તો યુવાન છો, આવુ કેમ બોલ્યા ઓમ બિરલા?

July 27, 2024

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ જાહેર કરવામાં આવ્યું. જે બાદ સંસદના ચોમાસુ સત્રમાં આ અંગે ધારદાર ચર્ચાઓ ચાલી રહી છે. વિપક્ષી નેતાઓ પોતાને વાત સંસદમાં રજૂ કરી રહ્યા છે. આ ચર્ચા દરમિયાન ઘણી વખત એવો માહોલ સર્જાય છે કે વાતાવરણ ક્યારેક તંગ તો ક્યારેક માહોલ હળવો બની જાય છે. ત્યારે શુક્રવારે પણ આવુ જ કંઇક થયુ લોકસભા સ્પીકર ઓમ બીરલા અને આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદ વચ્ચે.

લોકસભાના સભ્યો દ્વારા ખાનગી બિલ રજૂ કરવામાં આવી રહ્યા હતા. સ્પીકર ઓમ બિરલા એક પછી એક સભ્યોના નામ બોલાવી રહ્યા હતા. સભ્યો ઔપચારિક રીતે લોકસભામાં બિલ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન સ્પીકરે આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદનું નામ બોલ્યા. નગીના લોકસભા બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ પ્રથમ વખત સંસદમાં પહોંચેલા ચંદ્રશેખરે SC/ST વર્ગના બાળકો માટે રહેણાંક શાળાઓ સંબંધિત બિલ રજૂ કર્યું હતું.

મહત્વનું છે કે સંસદીય શિસ્ત અનુસાર જ્યારે કોઈ સભ્યનું નામ અધ્યક્ષ દ્વારા બોલાવવામાં આવે છે ત્યારે તેઓ તેમની બેઠક પરથી ઉભા થઈને બિલનું નામ લે છે. ત્યારબાદ સ્પીકર દ્વારા આ મુદ્દા પર મતદાન કરવામાં આવે છે. જવાબ 'હા'માં આવ્યા બાદ સંબંધિત સભ્યને ગૃહમાં બિલ રજૂ કરવા માટે કહેવામાં આવે છે. આ દરમિયાન સભ્યએ પોતાની સીટ પર બેસી જવાનું હોય છે. પણ ચંદ્રશેખરે આવું ન કર્યું. જેથી સ્પીકર ઓમ બિરલાએ તેમને સંસદીય નિયમો, પરંપરાઓ અને અનુશાસનનો પહેલો પાઠ ભણાવ્યો હતો.