'અમને લશ્કરી ધમકીઓ આપવાનું બંધ કરો' તાઇવાનના નવનિર્વાચિત પ્રમુખ લાઈમે શપથવિધિ પછી ચીનને કહ્યું

May 21, 2024

તાઇવાનના નવા પ્રમુખ લાઇ ચિંગ-તેએ તેઓના પ્રમુખપદની શપથવિધિ પછી આપેલા પ્રવચનમાં ચીનને અનુરોધ પૂર્વક જણાવ્યું હતું કે, 'અમોને લશ્કરી ધમકીઓ આપવાનું બંધ કરો.' વાસ્તવમાં ચીન હજી પણ ૭૫ વર્ષ પછી પણ 'તાઇવાન અમારૂં છે' તેનું રટણ છોડતું નથી, અને લોકશાહીવાદી તાઇવાનને સામ્યવાદી ચીનમાં ભેળવવા માટે તેની ઉપરથી યુદ્ધ વિમાનો ઉડાડી, તેની ફરતી યુદ્ધ નૌકારો વહેતી મુકી, તળભૂમિ ઉપર આક્રમણની એક્સસાઇઝ કરી તેને ડરાવવાના પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ તાઇવાન જરા પણ ડરતું નથી. તેને અમેરિકાનું પૂરૂં પીઠબળ છે. જોકે અમેરિકાએ 'વન-ચાઇના-પ્રિન્સિપલ' અપનાવ્યો હોવાથી તે સામ્યવાદી ચીનને જ સ્વીકાર્ય ગણે છે. જ્યારે તાઇવાન સાથે આડકતરા પણ ઘનિષ્ઠ સંબંધો રાખે છે. તાઇવાનની વિવિધ સંસ્થાઓનાં મથકો, વોશિંગ્ટન, ન્યૂયોર્ક, માયામી, ચીકાગો અને સાનફ્રાન્સીસ્કોમાં છે જ. તેઓ પૈકી મહત્વની સંસ્થાના વડાઓ, રાજદૂતો, અને ઉપરાજદૂતો તરીકે કામ કરે છે. ભારતે પણ 'વન-ચાઇના' સિદ્ધાંત અપનાવ્યો છે. તેથી તાઇવાન સાથે અમેરિકા અને તેના સાથી દેશોની જેમ તાઇવાનની વિવિધ સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભારતમાં દિલ્હી, મુંબઈ શહેરોમાં છે, તે પૈકી શૈક્ષણિક સંસ્થાઓના અગ્રીમ પ્રતિનિધિ 'રાજદૂત'નું કાર્ય કરે છે. ૬૪ વર્ષના લાઈ, અંગ્રેજી નામ વિલિયમથી પણ જાણીતા છે. તેઓ તેમના પુરોગામી ત્સાઇ ઈંગ-વેન પાસેથી સત્તાના સૂત્રો સંભાળનાર છે. વાસ્તવમાં ૮ વર્ષના શાસનકાળ પછી ત્સાઇ-ઈંગ-વેને જ તેઓને તેમના 'વારસ' તરીકે પસંદ કર્યા છે. લાઈ પ્રમાણમાં મવાળવાદી છે. તેઓ ત્સાઈની 'ડીફેક્ટો ઈંડીપેન્ડન્સ' (વાસ્તવિક સ્વાતંત્ર્ય)ની નીતિને અનુસરનારા છે. સાથે ચીન સામે સંરક્ષણ વ્યવસ્થા મજબૂત કરવાના મતના છે. તેઓના પુરોગામી ત્સાઈ ઈંગ-વેને દેશને ચીનના ભય અને કોવિદ-૧૯ના પ્રસાર વચ્ચે આઠ વર્ષ સુધી તાઇવાનનું સુકાન સંભાળ્યું હતું. લાઈના શપથવિધિ સમારોહ સમયે હજ્જારો તાઇવાનવાસીઓ પ્રમુખના નિવાસ સ્થાનની બહાર એકત્રિત થયા હતા, અને સમગ્ર શપથવિધિ કાર્યવાહીને ચારે બાજુ લગાડેલા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા હતા. તે સમયે મોટાભાગનાઓએ 'વ્હાઈટ કેપ' પણ પહેરી હતી. શપથવિધિ પૂર્વે સેનાની ત્રણે પાંખોની ટુકડીઓએ 'માર્ચ-પાસ્ટ' કરી તાઇવાનના ધ્વજને સલામી આપી હતી તે પછી લોકનૃત્યો તથા વિવિધ ફલોટસ ઉપર કલાકારો કથાનકો (નાટિકાઓ) ભજવતા પસાર થયા હતા. જ્યારે હેલિકોપ્ટરો તાઇવાનનો ધ્વજ ફરકાવતાં તે શપથવિધિ પૂર્વે સભાસ્થળ ઉપરથી પસાર થયા હતા. શપથવિધિ પછી લાઇએ તેમના સાથીઓ અને અન્ય રાજકારણીઓ દ્વારા અપાતા અભિનંદનો સ્વીકાર્યા હતા. તેમજ જે ૧૨ રાષ્ટ્રોએ તાઇવાનને સત્તાવાર સ્વીકૃતિ આપી છે, તેના રાજદૂતો અને અન્ય પ્રતિનિધિમંડળે આપેલા અભિનંદનો સ્વીકાર્યા હતા. અમેરિકા, જાપાન, દ.કોરિયા, અને કેટલાએ યુરોપીય દેશોના પ્રતિનિધિમંડળો પણ લાઈને અભિનંદનો આપ્યા હતા. લાઈ તાઇવાનનાં રક્ષણ માટે પૂરેપૂરા પ્રતિબદ્ધ છે. અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન કેને લાઈને અભિનંદનો પાઠવતાં કહ્યું હતું કે, આપણા સંબંધો બિનસત્તાવાર હોવા છતાં ઘણા મજબૂત છે, આપણે તાઇવાનની સમુદ્રધુનિમાં શાંતિ અને સ્થિરતા માટે સતત પ્રયત્નશીલ રહીશું.