2006 મુંબઈ સિરિયલ બ્લાસ્ટ કેસના તમામ આરોપી નિર્દોષ જાહેર

July 21, 2025

બોમ્બે હાઈકોર્ટે 11 જુલાઈ, 2006ના રોજ થયેલા મુંબઈ લોકલ ટ્રેન બ્લાસ્ટ મુદ્દે આજે સોમવારે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટમાં દોષિત ઠરેલા 12માંથી 11 આરોપીને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. જ્યારે એક આરોપીની અપીલ પ્રક્રિયા દરમિયાન મોત થઈ હતી. 19 વર્ષ બાદ આવેલા આ ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું કે, આરોપીઓ પાસે દબાણપૂર્વક ગુનો કબૂલવામાં આવ્યો છે. જે કાયદાકીય રીતે માન્ય નથી.

હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે જણાવ્યું હતું કે, આ મામલે રજૂ કરવામાં આવેલા પુરાવા વિશ્વસનીય નથી. અનેક સાક્ષીઓની જુબાની સંદિગ્ધ હતી. રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ હતી. અમુક સાક્ષીઓ વર્ષો સુધી ચુપ રહ્યા અને બાદમાં અચાનક આરોપીની ઓળખ કરવા લાગ્યા, જે અસામાન્ય છે. ઉલ્લેખનીય  છે, આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવતાં પોલીસ અને સીબીઆઈની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે કે, તેઓ 19 વર્ષ બાદ પણ આ બ્લાસ્ટના વાસ્તવિક આરોપીની ધરપકડ કરવામાં નિષ્ફળ રહી.

હાઈકોર્ટે આગળ કહ્યું કે, આરોપીઓ વિરૂદ્ધ રજૂ કરવામાં આવેલા પુરાવામાં ગંભીર ખામીઓ જોવા મળી હતી. સુરક્ષા એજન્સીઓને પડકારતાં બચાવ પક્ષના તર્કોને ન્યાયસંગત માનવામાં આવ્યા છે. અમુક એવા પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જે નક્કર નથી. કથિત આરડીએક્સ અને અન્ય સામગ્રીની જપ્તી મુદ્દે પણ સાયન્ટિફિકલી કોઈ પુરાવો રજૂ કરવામાં આવ્યો નથી. સાક્ષીની જુબાની, તપાસ અને પુરાવા નક્કર નથી. 

આરોપીઓ સાબિત કરવામાં સફળ રહ્યા કે, તેમની પાસે જબરદસ્તી કબૂલનામું લેવામાં આવ્યું હતું. જજની પેનલે કહ્યું કે, અમે અમારા કર્તવ્યનું પાલન કર્યું છે. તે અમારી જવાબદારી હતી. વીડિયો કોન્ફરન્સ મારફત જોડાયેલા દોષિતો હાઈકોર્ટના ચુકાદા બાદ અમરાવતી, નાસિક, નાગપુર અને પુણેની જેલમાં રડી રહ્યા હતા.

વરિષ્ઠ વકીલ યુગ મોહિત ચૌધરી આ કેસમાં આરોપી તરફથી લડી રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ ચુકાદો તે તમામ લોકો માટે આશાનું કિરણ બન્યો છે, જે વર્ષોથી ન્યાયની રાહ જોઈ રહ્યા હતાં. સરકારી વકીલ રાજા ઠાકરેએ આ નિર્ણયને માર્ગદર્શક ગણાવ્યો છે.

આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ 11 જુલાઈ, 2006ના રોજ મુંબઈના ટ્રેનના સાત કોચમાં એક-બાદ-એક બોમ્બ બ્લાસ્ટ થયા હતાં. જેમાં 189 મુસાફરો માર્યા ગયા હતાં, અને 824 લોકો ઘાયલ થયા હતાં. 11 જુલાઈના રોજ સાંજે 6.24થી 6.35 વાગ્યે એક પછી એક સાત વિસ્ફોટ થયા હતાં. આ વિસ્ફોટ ખાર, બ્રાંદા, જોગેશ્વરી, માહિમ, બોરીવલી, માટુંગા અને મીરા-ભાયંદર રેલવે સ્ટેશન પાસે થયા હતાં. જેમાં 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. નીચલી કોર્ટે પાંચ લોકોને મૃત્યુદંડ અને સાત લોકોને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.