પૂર સંકટમાં 203 લોકોના થયા મોત, પંજાબમાં મૃત્યુઆંક 123 પર પહોંચ્યો

July 21, 2025

26 જૂનથી શરૂ થયેલો વરસાદ હવે તેના રોદ્ર સ્વરૂપમાં છે. પાડોશી દેશમાં કુદરતનું ડરામણુ સ્વરૂપ જોવા મળ્યુ છે. અહીં રસ્તા પર પાણી ભરાયા છે. પૂર સંકટના કારણે મોતનો આંકડો વધી રહ્યો છે. ભારે વરસાદને કારણે દેશના ઘણા ભાગોમાં અચાનક પૂર, ઘર તૂટી પડવા, વીજળી પડવી અને ભૂસ્ખલન જેવી ઘટનાઓ સામે આવી છે. અત્યાર સુધીમાં પંજાબ પ્રાંતમાં 123 લોકોના મોત નોંધાયા છે. જે કોઈપણ રાજ્ય કરતાં સૌથી વધુ છે.

ઘાયલોની સંખ્યા 562 પર પહોંચી છે. જેમાંથી 454 લોકો પંજાબના, 58 લોકો ખૈબર પખ્તુનખ્વાના, 40 લોકો સિંધના, ચાર બલુચિસ્તાનના અને છ લોકો પીઓકેના છે. મોટી સંખ્યામાં ઘરોને નુકસાન થયુ છે. વરસાદને કારણે પ્રાણીઓને પણ ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં 195 પ્રાણીઓના મોત થયા છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લેતા, પંજાબ સરકારે 'વરસાદી કટોકટી' જાહેર કરી છે અને નદીઓ, તળાવો અને કુદરતી પાણીના સ્ત્રોતોમાં નહાવા કે તરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ખૈબર પખ્તુનખ્વામાં સૌથી વધુ મિલકતને નુકસાન થયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થયો છે. પરંતુ ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ ચાલુ છે. હવામાન વિભાગે જણાવાયું છે કે સિંધ, દક્ષિણ પંજાબ, બલુચિસ્તાનના પૂર્વી ભાગો, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ઇસ્લામાબાદમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાષ્ટ્રીય કટોકટી કામગીરી કેન્દ્રે 25 જુલાઈ સુધી સમગ્ર દેશ માટે ચેતવણી જારી કરી છે. તેણે અચાનક પૂર, શહેરી પાણી ભરાવા અને હિમનદી તળાવો ફાટવાની આગાહી કરી છે.