ગાઝામાં ભોજન માટે લાઇનમાં ઊભા લોકો પર ઈઝરાયલનો હુમલો, 67 પેલેસ્ટિનિયનના મોત

July 21, 2025

કતારમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલી યુદ્ધવિરામ વાટાઘાટો વચ્ચે ગાઝામાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી.  20 જુલાઈ, 2025ના રોજ ઉત્તરી ગાઝામાં ઇઝરાયલી ગોળીબારમાં યુએન રાહત સામગ્રીની રાહ જોઈ રહેલા 67 પેલેસ્ટિનિયનોના મોત થયા. ગાઝા આરોગ્ય મંત્રાલયે આ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.

આ હુમલા અંગે ઇઝરાયલી સેનાનું કહેવું છે કે, 'અમારા સૈનિકોએ ખતરાની આશંકાને કારણે ચેતવણીના ભાગરૂપે ગોળીબાર કર્યો હતો.' સેનાનો દાવો છે કે મદદ લઇ જતી ટ્રકોને નિશાન બનાવવામાં આવી ન હતી. તેમજ મૃત્યુઆંક વધારીને દર્શાવવામાં આવી રહ્યો છે.

સંયુક્ત રાષ્ટ્રની એજન્સી WFP એ જણાવ્યું કે, 'અમારા 25 ટ્રકના કાફલા પર ગાઝામાં પ્રવેશતા જ ભીડ ઉમટી પડી હતી. તે સમયે ગોળીબાર થયો.' બીજી તરફ, ગાઝામાં રહેતા લોકોએ જણાવ્યું કે, 'હવે લોટ જેવી પાયાની વસ્તુઓ મળવી અશક્ય બની ગઈ છે. પોપ લિયોએ ગાઝાના કેથોલિક ચર્ચ પર થયેલા હુમલાની નિંદા કરી છે, જેમાં ત્રણ લોકો માર્યા ગયા હતા. તેમણે યુદ્ધને સમાપ્ત કરવાની અપીલ કરી છે.