દિલ્હીના મુસ્તફાબાદમાં બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યાર સુધીમાં 11 લોકોના મોત, 4 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ

April 19, 2025

ઉત્તર પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારમાં દયાલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક ચાર માળની ઈમારત ગત મોડી રાત્રે ધરાશાયી થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે ચાર ઈજાગ્રસ્ત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ દુર્ઘટના રાત્રે 3 વાગ્યાની આજુબાજુ સર્જાઈ હતી. શક્તિ વિહાર વિસ્તારમાં આ ઈમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં એડિશનલ ડીસીપી સંદીપ લાંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા.

એનડીઆરએફ, ડૉગ સ્કવૉડ અને દિલ્હી પોલીસ તથા ફાયર વિભાગની ટીમને રાહત બચાવની કામગીરી માટે તહેનાત કરી દેવામાં આવી રહી છે. રેસ્ક્યૂ ઓપરેશનમાં સ્થાનિક નાગરિકો પણ મદદ માટે આગળ આવ્યા છે.