ખોટા IT રિટર્ન ફાઈલ કરવા પડ્યા ભારે, 404 કરદાતા સામે કેસ, 28000 સરકારી કર્મી રડાર પર

June 04, 2023

જમ્મુ અને કાશ્મીરના સરકારી કર્મચારીઓ આવકવેરા વિભાગની તપાસ હેઠળ
શ્રીનગર- જમ્મુ-કાશ્મીરમાં કામ કરતા 28000થી વધુ સરકારી કર્મચારીઓ આવકવેરા વિભાગની તપાસ હેઠળ છે. આ કર્મચારીઓએ કથિત રીતે કરોડો રૂપિયાના નકલી ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR)નો દાવો કર્યો હતો. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાઈ છે.
આ કર્મચારીઓમાં 8000 પોલીસ અને અર્ધલશ્કરી દળોના જવાનો પણ સામેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કથિત છેતરપિંડી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે થઈ હતી. જ્યારે ગત નાણાકીય વર્ષમાં આવા જ પ્રકારની કથિત છેતરપિંડી સામે આવ્યા બાદ IT વિભાગે જમ્મુ-કાશ્મીર પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને 404 અન્ય લોકો સામે 2 ફોજદારી કેસ નોંધ્યા હતા. આ લોકોએ ભારત સરકારની આવકને 16.72 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. 
અધિકારીએ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના પ્રિન્સિપલ કમિશનર ઓફ ઈન્કમટેક્સની સૂચના પર એમ.પી.સિંહ, જમ્મુ અને કાશ્મીર પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ઈન્કમટેક્સ ઓફિસર (ટેકનિકલ) આકાશ કુમાર મીના, ઈન્કમટેક્સ ઓફિસર (TDS) દ્વારા કરાયેલી તપાસના આધારે આ કેસો નોંધાવાયા છે. તમામ આરોપીઓએ અલગ-અલગ વર્ષોના ખોટા આવકવેરા રિટર્ન ફાઈલ કરીને 4 લાખથી વધુ રૂપિયા રિફંડ તરીકે લીધા છે.


તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કલમ 420, 468, 471 અને 120-B હેઠળ કેસ દાખલ કરાયા છે. મુખ્ય આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈમરાન અમીન દારા શ્રીનગરમાં ICDS એન્ડ કંપની નામની કન્સલ્ટન્સી ફર્મ ચલાવે છે. આ મામલાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરાઈ છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તમામ આરોપીઓના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા છે. અધિકારીએ જણાવ્યું કે, આવકવેરા વિભાગે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)માં ઈમરાન અમીન દારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.