રાજસ્થાનમાં વરસાદથી પાંચ મોત, મધ્યપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર

September 18, 2023

રાજસ્થાન, હરિયાણા સહિત દેશના ઘણા ભાગોમાં પાછલા કેટલાક દિવસોથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક ભાગોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થઇ છે. રવિવારે ગુજરાત અને મધ્યપ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં જોરદાર વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજસ્થાનના બાંસવાડા અને ઝાલાવાડમા પણ હાહાકાર મચ્યો છે. બાંસવાડા જિલ્લામાં શનિવારે સવારે આઠ કલાકથી રવિવારે સવારે આઠ સુધીના 24 કલાકમાં 14.6 ઇંચ વરસાદ પડયો છે.

અહીં વરસાદથી પાંચ લોકોના મોત થયા છે. ભારતીય હવામાન ખાતા દ્વારા રવિવારે વરસાદને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. હવામાન ખાતાએ મધ્યપ્રદેશ અને ગુજરાત માટે 18 સપ્ટેમ્બરે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને 19 સપ્ટેમ્બર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. પાછલા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો હતો જેમાં કથ્થીવાડામાં 341 એમએમ, મેઘનગરમાં 316 એમએમ અને ધાર સિટીમાં 301.3 એમએમ વરસાદ નોંધાયો છે. 1958 બાદ મધ્યપ્રદેશમાં આ સૌથી ઊંચો વરસાદ છે.

એમપીના 20થી વધારે જિલ્લામાં શનિવારથી સતત વરસાદ વરસી રહ્યો છે. ધાર, દેવાસ, ઉજ્જૈનમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તે છે. ઇંદોરના નીચાણ ધરાવતાં વિસ્તારોમાં હોડીની મદદથી લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ઉજ્જૈન, દેવાસ, ઇંદોરમાં સોમવારે પણ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.