સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું, 23 સૈનિકો ગુમ

October 04, 2023

સિક્કિમમાં આજે વહેલી સવારે વાદળ ફાટવાના કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી 23 સૈનિકો ગુમ થઈ ગયા છે. ડિફેન્સ PRO અનુસાર, આજે સવારે લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે લાચેન ખીણમાં તિસ્તા નદીમાં અચાનક પૂર આવ્યું.

નદીને અડીને આવેલા વિસ્તારમાં આર્મી કેમ્પ હતા, જે પૂરમાં તણાઈ જતાં ધોવાઈ ગયા છે. ગુવાહાટીના ડિફેન્સ PROએ કહ્યું- પાણીમાં અચાનક વધારો થવાને કારણે ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવું પડ્યું. આ પછી તિસ્તા નદીને અડીને આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી અચાનક 15-20 ફૂટ સુધી વધી ગયું હતું. અહીં સિંગથામ નજીક બરડાંગમાં પાર્ક કરાયેલાં આર્મીનાં વાહનો ડૂબી ગયાં હતાં.

આર્મીના જણાવ્યા અનુસાર વાદળ ફાટવાની ઘટના બાદ તિસ્તા નદીનું જળસ્તર અચાનક 15 થી 20 ફૂટ વધી ગયું હતું. આ પછી નદીને અડીને આવેલા આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. નદીના પાણી પણ અનેક ઘરોમાં ઘૂસી ગયાં હતાં. લોકો ઘર છોડીને સલામત વિસ્તારોમાં ગયા.

ગુવાહાટીના ડિફેન્સ પીઆરઓએ જણાવ્યું કે દુર્ઘટના બાદ લાપતા સેનાના જવાનોની શોધ માટે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સ્થાનિક પ્રશાસન પણ પોતાના સ્તરે બચાવ કાર્ય ચલાવી રહ્યું છે. જો કે હજુ સુધી જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી.આ પહેલાં સિક્કિમમાં 16 જૂને પણ વાદળ ફાટ્યું હતું. અહીં પાક્યોંગમાં ભૂસ્ખલન અને પછી વાદળ ફાટવાના કારણે ઘરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે અનેક લોકો પ્રભાવિત થયા હતા.