અમેરિકામાં ફ્રોડનો કેસ: ગૌતમ અદાણી અને ભત્રીજો સાગર અદાણી નોટિસ સ્વીકારવા તૈયાર

January 31, 2026

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે અમેરિકામાં ચાલી રહેલા સિવિલ ફ્રોડ કેસમાં એક મહત્વના કાનૂની સમાચાર સામે આવ્યા છે. અદાણી પરિવારે અમેરિકન શેરબજાર નિયામક SEC ની નોટિસ સ્વીકારવા સંમતિ દર્શાવી છે, જેનાથી આ કેસમાં હવે કાનૂની કાર્યવાહી આગળ વધશે.

નવેમ્બર 2024માં SEC એ ગૌતમ અદાણી અને સાગર અદાણી સામે સિવિલ દાવો દાખલ કર્યો હતો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના રોકાણકારોને લાંચ બાબતે ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આ સિવાય ન્યૂયોર્કના ફેડરલ પ્રોસિક્યુટર્સે ભારતમાં સોલર કોન્ટ્રાક્ટ મેળવવા માટે $265 મિલિયનની લાંચ આપવાના કાવતરાના પણ આરોપ લગાવ્યા છે.

છેલ્લા એક વર્ષથી આ કેસ અટકેલો હતો કારણ કે બંને અદાણી ભારતમાં હતા અને તેમને કાનૂની નોટિસ બજાવી શકાતી નહોતી. SEC એ તાજેતરમાં જ કોર્ટ પાસે વૈકલ્પિક રીતે એટલે કે ઈમેલ દ્વારા નોટિસ મોકલવાની પરવાનગી માંગી હતી. જોકે, હવે અદાણીના યુએસ સ્થિત વકીલોએ જાતે જ નોટિસ સ્વીકારવાની તૈયારી બતાવી છે, જેથી જજ દ્વારા સમન્સ બજાવવાની પદ્ધતિ પર ચુકાદો આપવાની જરૂર રહેશે નહીં.