Breaking News :

રણવીર સિંહ વિરુદ્ધ FWICEની નોટિસનો મામલો કોર્ટમાં

June 03, 2026

બોલિવૂડ અભિનેતા રણવીર સિંહ અને ડાયરેક્ટર-પ્રોડ્યુસર ફરહાન અખ્તર વચ્ચે શરૂ થયેલો 'ડોન 3' વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અગાઉ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ આ મુદ્દે મૌન સેવ્યું હતું, પરંતુ હવે આ મામલો કાનૂની અખાડામાં ફેરવાઈ ગયો છે. ફિલ્મમેકર અને 'ઇન્ડિયન મોશન પિક્ચર પ્રોડ્યુસર્સ એસોસિએશન' (IMPPA)ના પૂર્વ અધ્યક્ષ ટીપી અગ્રવાલ હવે રણવીર સિંહના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે 'ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ'ના આદેશ વિરુદ્ધ બોમ્બે સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. FWICE દ્વારા રણવીર સિંહ વિરુદ્ધ જારી કરાયેલા આ આદેશને ફિલ્મમેકર ટીપી અગ્રવાલે મુંબઈના દિંડોશી સ્થિત બોમ્બે સિવિલ કોર્ટમાં પડકાર્યો છે. ટીપી અગ્રવાલે FWICE અને IMPPA વિરુદ્ધ દાખલ કરેલી અરજીમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, "કોઈપણ વ્યક્તિ, એસોસિએશન કે ટ્રેડ બોડી પાસે કોઈ કલાકાર અથવા પ્રોફેશનલ પર પ્રતિબંધ મૂકવાનો કે અન્ય લોકોને તેની સાથે કામ ન કરવાનો નિર્દેશ આપવાનો કોઈ કાનૂની અધિકાર નથી."
આ કાનૂની લડાઈ વિશે વાત કરતા ટીપી અગ્રવાલે જણાવ્યું હતું કે, "આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એકબીજાના સહકાર પર ટકેલી છે. તેથી, આવા વિવાદોને હંમેશા લીગલ અને પ્રોફેશનલ ચેનલો દ્વારા જ ઉકેલવા જોઈએ. કોઈપણ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કોઈ કલાકારને કામ કરતા અટકાવવાના પ્રયાસને બિલકુલ હળવાશથી ન લેવો જોઈએ. આ પ્રકારના આદેશોથી વ્યક્તિની આર્થિક સ્થિતિ અને તેની ક્રિએટિવ ફ્રીડમ પર સીધી અસર પડે છે. તેથી, આ મામલાનો નિકાલ ન્યાયિક અને કાનૂની રીતે થવો જરૂરી છે."