પતંગરસિયા માટે ખુશખબરઃ ઉત્તરાયણમાં રહેશે સારો પવન, ઠંડીનું પણ જોર રહેશે

January 13, 2025

અમદાવાદ  : ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે આવતીકાલે મંગળવારે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે પવન અને ઠંડીને લઈને આગાહી કરી છે. જેમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં તરફ 15 થી 20 કિ.મી. પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે. જ્યારે આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારાને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યભરમાં વહેલી સવારથી ઠંડા પવનની લહેર વર્તાય રહી છે, ત્યારે આવતીકાલે મંગળવારે ઉત્તરાયણમાં પણ સારો એવો પવન રહેવાથી પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ઠંડી અને પવનને આગાહી કરી છે કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં તરફથી આવતા પવનની અસર થશે. જેને લઈને પતંગ રસિકો હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણની મોજ માણી શકશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ઉત્તરાયણ સહિતના આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાથી ઠંડીમાં રાહત થશે. આ પછી 2-3 ડિગ્રી સે. તાપમાનમાં ઘટાડો થવાથી ફરી ઠંડીનું જોર વધશે.

જ્યારે આગામી 19 જાન્યુઆરી સુધી રાજ્યભરમાં શુષ્ક હવામાનની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી લઘુતમ તાપમાન 8.8 ડિગ્રી નલિયામાં નોંધાયું. જ્યારે વડોદરામાં 13.2 ડિગ્રી, અમદાવાદમાં 12.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 11.8 ડિગ્રી, રાજકોટમાં 11 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી, સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું.