ગુજરાત દેશમાં છેલ્લા 20 વર્ષમાં 33 ટકા નિકાસ કરતું રાજ્ય

January 28, 2025

ઉદ્યોગસાહસિકો માટે તક! ગાંધીનગરમાં BRICS-યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશનનો શુભારંભ
ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં યુવાનો પગભર થવા સરકારના પ્રયત્નો 

અમદાવાદ : નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી-ગાંધીનગર ખાતે આયોજિત "બ્રિક્સ - યૂથ કાઉન્સિલ આંત્રપ્રિન્યોરશિપ પ્રિ-કન્સલ્ટેશન"નો શુભારંભ સમારોહ ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. યુવા ઉદ્યોગસાહસિકો, સંશોધકોના વિચારો-કલ્પનાઓને મૂર્તિમંત કરવા માટેનો એક મંચ પૂરો પાડવા ભારત સરકારના યુવા બાબતો અને રમત ગમત વિભાગ તેમજ ગ્લોબલ કાઉન્ટર ટેરરિઝમ કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 'આજે ભારતમાં સૌથી વધુ યુવાઓ છે, ત્યારે તેમને પ્રોત્સાહિત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં અનેક વિવિધ કાર્યો થઈ રહ્યા છે. અગાઉ પણ રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે યુવાનોને વધુમાં વધુ તક મળે તે માટે અદ્યતન વ્યવસ્થાઓ ઊભી કરી હતી. આજે સમગ્ર ભારતમાં ગુજરાત ઉદ્યોગો માટે એક વિકાસ મોડલ છે, જેનો સૌથી મોટો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. 


બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશમાં છેલ્લા 20 વર્ષમાં 33 ટકા નિકાસ કરતું રાજ્ય બન્યું છે. સમગ્ર દેશમાં 18 ટકાથી વધુ ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્ય કરે છે. દેશના જીડીપીમાં રાજ્યનો ફાળો અંદાજે 8.4 ટકા જેટલો છે. જેના પરિણામે ગુજરાત સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે.  વડાપ્રધાનના અથાગ પ્રયત્નો થકી આપણો દેશ અર્થ વ્યવસ્થામાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ બનવા તરફ પ્રયાણ કરી રહ્યો છે. 
મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે 21મી સદીમાં દેશના યુવાનો ટેક્નોલોજી અને ડિજિટલ યુગમાં પોતાના પગભર થઈ શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. હાલમાં અમલી સ્ટાર્ટ અપ પોલિસી થકી રાજ્યમાં અંદાજે 12 હજારથી વધુ તથા સમગ્ર દેશમાં અંદાજે 1લાખ 50 હજાર કરતાં વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે. આજે ગુજરાત યુવાઓને સ્ટાર્ટ અપ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે અગ્રણી રાજ્ય બન્યું છે.