હીટવૅવને કારણે ભારતમાં ખેતીના પાકને મોટાપાયે નુકસાન : ઊપજમાં ઘટાડો

April 22, 2023

હીટવૅવ અને ક્લાઇમેટ ચેન્જની ભારતના હવામાન પર ખૂબ જ માઠી અસર પડી છે. ગરમીના પ્રકોપને કારણે ભારતમાં ખેતીના પાકને મોટાપાયે નુકસાન થયું છે. જુદાજુદા કૃષિ પાકની ઊપજમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બીજી તરફ ભારત સહિત એશિયા અને યુરોપના દેશોમાં ક્યાંક દુષ્કાળ તો ક્યાંક વિનાશક પૂરની સ્થિતિ સર્જાઈ છે. યુરોપના દેશોમાં હીટવૅવને કારણે 2022માં જ 15,700 લોકોનાં મોત થયાં છે.

ત્રણ ગ્રીન હાઉસ ગેસના ઉત્સર્જનમાં સખત વધારો થયો હોવાનો સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ચેન્જ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. ત્રણ ગ્રીનહાઉસ ગેસ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન અને નાઇટ્રોસ ઓક્સાઇડના ઉત્સર્જનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું હોવાનું યુએનના વર્લ્ડ મીટિયોરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)નાં રિપોર્ટમાં જણાવાયું છે. આને કારણે વિશ્વમાં ક્યાંક દુષ્કાળ તો ક્યાંક પૂર તો ક્યાંક હીટવૅવની સમસ્યાએ માઝા મૂકી છે. ભારત, એશિયાના દેશો તેમજ દરેક ખંડમાં આને કારણે અબજોનું પારાવાર નુકસાન થયું છે.