હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે : બેન્જામિન નેતન્યાહૂ

October 09, 2024

ઈઝરાયલ અને લેબનોનના આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે લડાઈ વધી રહી છે. હિઝબુલ્લાહ ઈઝરાયલમાં હવાઈ હુમલાઓ કરી રહ્યું છે અને લેબેનોનમાં ઈઝરાયેલની કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ મંગળવારે કહ્યું કે, ઈઝરાયલના સેનાએ માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે.

પ્રી-રેકોર્ડ કરેલા વીડિયો સંદેશમાં નેતન્યાહૂએ કહ્યું કે, 'અમે હિઝબુલ્લાની શક્તિ ઓછી કરી દીધી છે. અમે હજારો આતંકવાદીઓને ઠાર કર્યા છે, જેમાં નસરાલ્લાહ પોતે, તેમના અનુગામી અને તેમના ઉત્તરાધિકારી વિકલ્પનો પણ સમાવેશ થાય છે.

જો કે, નેતન્યાહૂએ કોઈ નામ જાહેર કર્યું નથી. અગાઉ ઈઝરાયલના રક્ષા મંત્રી યોવ ગૈલેન્ટે કહ્યું હતું કે, હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યાના સંભવિત ઉત્તરાધિકારી હાશેમ સફીદ્દીનની સંભવતઃ હત્યા કરવામાં આવી છે. મીડિયા અહેવાલ અનુસાર તે સ્પષ્ટ નથી કે નેતન્યાહૂએ કોને તેમના 'અનુગામી વિકલ્પ' તરીકે ઓળખાવ્યા હતા.