હું મહિલા અનામત બિલના સમર્થનમાં, વિલંબ વિના અમલ જરૂરી, સોનિયા ગાંધીનું સંસદમાં નિવેદન

September 20, 2023

લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બિલ પર ગૃહમાં સંબોધન કરી રહ્યા છે. આ પહેલા ગઈકાલે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા- લોકસભામાં 33 ટકા અનામત રાખવાની માગ કરવામાં આવી છે. આ પહેલા કેન્દ્રિય કેબિનેટે સોમવારે મહિલા અનામત બિલને મંજૂરી આપી હતી. મહિલા અનામત બિલ મુદ્દે લોકસભામાં ચર્ચા શરુ થઈ છે ત્યારે લોકસભામાં સોનિયા ગાંધીએ સંબોધન કરતા કહ્યું હતું કે હું મહિલા અનામત બિલનું સમર્થન કરુ છું. આ મારા જીવનનો સૌથી માર્મિક સમય છે. મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આ બિલ રાજીવ ગાંધી દ્વારા લાવવામાં આવ્યું હતું. કોંગ્રેસ પાર્ટી આ બિલને સમર્થન આપી રહી છે અને આ બિલ પાસ થશે તો રાજીવ ગાંધીનું સપનું પરુ થશે. સોનિયા ગાંધીએ વધુમાં કહ્યું કે જો બિલ પાસ કરીને અમલમાં લાવવામાં વિલંબ થશે તો મહિલાઓ સાથે અન્યાય થશે. અમારી માગ છે કે વહેલા તે પહેલાના ધોરણે આ બિલને મંજૂરી આપવામાં આવે. આ સાથે જ સોનિયા ગાંધીએ જાતિ આધારિત વસતી ગણતરીની પણ માગ કરી હતી. તેમણે કહ્યું કે SC/STની સાથે OBC વર્ગની મહિલાઓને પણ અનામતનો લાભ મળવો જોઇએ.ગઈકાલે સંસદ નવા ભવનમાં શિફ્ટ થઈ હતી અને નવા સંસદભવનમાં પ્રથમ સત્ર ચાલી રહ્યું છે જેમાં પ્રથમ દિવસે જ હોબાળો થયો હતો. ગઈકાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યુ હતું. આ બિલને નારી શક્તિ વંદન એક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને લઈને હોબાળો થતા બંને ગૃહોની કાર્યવાહી આજ સવાર 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આજે લોકસભામાં આ બિલ પર ચર્ચા થઈ રહી છે.