છત્તીસગઢમાં માથામાં 15 ઘા, લીવરના 4 ટુકડા,ખુબજ ક્રુરતાથી પત્રકાર મુકેશ ચંદ્રાકારની હત્યા

January 06, 2025

છત્તીસગઢના બીજાપુરમાં પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યામાં ક્રૂરતાની તમામ હદો વટાવી દેવામાં આવી હતી. મુકેશ ચંદ્રાકરના માથા પર 15 ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આ સિવાય લીવરના ચાર ટુકડા અને પાંચ પાંસળીઓ તૂટી ગઈ હતી. તેની ગરદન તૂટેલી અને હૃદય ફાટેલું જોવા મળ્યું હતું. પત્રકાર મુકેશ ચંદ્રાકરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે કહ્યું કે, તેમની 12 વર્ષની કારકિર્દીમાં મેં એવો કોઈ કેસ જોયો નથી કે જેમાં તેમની આટલી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોય.

તેમણે એવો પણ દાવો કર્યો છે કે પત્રકારની હત્યા કરનારા બે કે તેથી વધુ હુમલાખોરો હતા. મુકેશ ચંદ્રાકરની હત્યાના આરોપી કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની ધરપકડ કરવામાં આવી છે. એસઆઈટીએ તેની હૈદરાબાદથી ધરપકડ કરી છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર સિંહ યાદવે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે આરોપીની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી છે.

મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ 3 જાન્યુઆરીએ કોન્ટ્રાક્ટર સુરેશ ચંદ્રાકરની મિલકત પર સ્થિત સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. મુકેશ 1લી જાન્યુઆરીથી ગુમ હતો. પોલીસે મુકેશને શોધવા સુરેશ ચંદ્રાકરના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્યાંની સેપ્ટિક ટાંકીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. શરીરની હાલત ખૂબ જ ખરાબ હતી, પરંતુ કપડાં પરથી તેની ઓળખ પત્રકાર મુકેશ ચંદ્રાકર તરીકે થઈ હતી.