રાજસ્થાનમાં જાદુગર ગાયબ-મોદી લહેર છવાઈ

December 03, 2023

રાજસ્થાનમાં ફરી એકવાર દર પાંચ વર્ષે સરકાર બદલવાનો ટ્રેન્ડ ચાલુ રહેવાની સંભાવના છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતી તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ભાજપ 110 બેઠક પર અને કોંગ્રેસ 73 બેઠક પર આગળ છે, જ્યારે અન્ય ઉમેદવારો 16 બેઠક પર આગળ છે. પહેલું પરિણામ ભાજપને મળ્યું છે. અહીં મતગણતરી દરમિયાન ઉમેદવારો અને સમર્થકો વચ્ચે કેટલાક વિવાદો પણ થયા છે. બેહરોરના ધારાસભ્ય અને અપક્ષ ઉમેદવાર બલજીત યાદવ પર હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે તે ગણતરી કરીને બહાર આવ્યો ત્યારે લોકોએ તેને મેદાનમાં ઘેરી લીધો અને લાફો માર્યો.

વિધાનસભાના અધ્યક્ષ ડૉ. સી.પી. જોશી પાછળ ચાલી રહ્યા છે. આ સાથે શાંતિ ધારીવાલ, પરસાદી લાલ મીણા, પ્રતાપ સિંહ ખાચરીયા સહિત કોંગ્રેસના 18 મંત્રીઓ પાછળ ચાલી રહ્યા છે. ભાજપ દ્વારા ચૂંટણી લડવામાં આવેલા 7 સાંસદોમાંથી 4 આગળ છે અને 3 પાછળ છે. રાજસ્થાનમાં 199 વિધાનસભા બેઠકો માટે 25 નવેમ્બરે મતદાન થયું હતું. શ્રીકરણપુર વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર ગુરમીત કુન્નરના મૃત્યુને કારણે ત્યાં ચૂંટણી થઈ નથી.