આગામી 24મીએ ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં, સાધના માટે શ્રેષ્ઠ દિવસ; સોનુ-ચાંદી, ગાયનું ઘી, ચોપડા ખરીદી શકાય

October 19, 2024

આગામી 24 ઓક્ટોબર એટલે કે, આસો વદ-આઠમ, ગુરૂવારના શુભ દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવે છે. શાસ્ત્રવિદોના મતે સરસ્વતી સાધના, મંત્રસાધના અને લક્ષ્મીજીની આરાધના માટે આવર્ષનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્યની શરૂઆત માટેનો સમય સવારના 6:04 અને સવારે 11:00 વાગ્યાથી બપોરના 3:15 સુધી અને સાંજે 4:45 થી 6:00 સુધીનો સમય શ્રેષ્ઠ છે.

મંત્રશાસ્ત્ર અને તંત્રશાસ્ત્રમાં રવિવાર-પુષ્ય નક્ષત્ર કરતાં ગુરુવાર પુષ્ય નક્ષત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. ગુરુવાર-પુષ્ય નક્ષત્રને ગુરુપુષ્યામૃતસિદ્ધિ યોગ પણ કહેવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર પોષણ કરનાર અર્થાત્ વૃદ્ધિ કરનાર છે, તેથી આ સમય દરમિયાન જે કાર્ય કરવામાં આવે તેમાં હંમેશા વૃદ્ધિ જ થતી રહે છે. આ દિવસે યશ, માન, પ્રતિષ્ઠાને લગતાં સઘળાં કાર્ય કરી શકાય છે. જેના માટેનો સૌથી સરળ ઉપાય પ્રભુભક્તિનો છે. આ દિવસે સોનુ, ચાંદી, ઘરેણાં, ગોળ, ગાયનું શુદ્ધ દેશી ઘી, હળદર તેમજ ચોપડાની ખરીદી શકન તરીકે કરવી જોઈએ.

જૈન વિજ્ઞાની નંદીઘોષસૂરિજીએ જણાવ્યું કે, 'દર મહિને એકવાર ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં આવતો જ હોય છે. પરંતુ તે દિવસે રવિવાર કે ગુરુવાર હોય તો મંત્રસાધના, તંત્રવિધિ અને ધામક અનુષ્ઠાન-આરાધના અંગે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વર્ષે આસો વદ આઠમના દિવસે ચંદ્ર પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય પહેલાં 5:52 મિનિટે પ્રવેશ કરે છે. પરંતુ, સૂર્યોદય સુધી બુધવાર ગણાતો હોવાથી અને ગુરુવારની શરૂઆત સૂર્યોદયથી થતો હોવાથી સૂર્યોદય પછી 7:40 મિનિટે પૂર્ણ થાય છે. તેથી શુક્રવારે સૂર્યોદય સુધીનો સમય ગુરુ-પુષ્યામૃતસિદ્ધિ યોગ ગણાય છે.