પશ્ચિમ બંગાળમાં શિક્ષકે પ્રેમ કર્યો તો રૂ. આઠ લાખનો દંડ અને ઝાડ સાથે બાંધી

June 05, 2023

પશ્ચિમ બંગાળમાં એક શિક્ષકને પ્રેમ કરવા બદલ મોટી કિંમત ચૂકવવી પડી છે. તેણે રૂપિયા આઠ લાખનો દંડ તો ભરવો જ પડયો સાથે તેણે ગામલોકોના રોષનો ભોગ પણ બનવું પડયું. ગ્રામીણ લોકોએ શિક્ષકને ઝાડ સાથે બાંધી માર માર્યો હતો જેને પરિણામે શિક્ષકને ઘણી ઇજાઓ થઇ છે. હવે આ ઘટનાનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

સમગ્ર ઘટના પશ્ચિમ બંગાળના મેદિનીપુર જિલ્લાના બ્લોક-2 ચંદ્રકોણાના શ્રીરામપુર ગામની છે. વાસ્તવમાં એક શાળાના શિક્ષકને સ્થાનિક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો જેનાથી નારાજ ગામલોકોએ શિક્ષકને આ સજા સંભળાવી દીધી હતી. વાયરલ વીડિયોમાં ગામલોકો શિક્ષકને ઝાડ સાથે બાંધીને માર મારતાં નજરે ચડે છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે લોકોના માર બાદ શિક્ષકના માથા પરથી લોહી નીકળી રહ્યું છે. તેમ છતાં લોકો આ શિક્ષકને છોડવા તૈયાર નથી. શિક્ષકના હાથ-પગને મોટા દોરડાથી બાંધી દેવામાં આવ્યા છે અને લોકો સતત શિક્ષક પર હુમલો કરી રહ્યા છે. ઉન્માદી ભીડમાંથી કોઇ શિક્ષકને મારી રહ્યું છે તો કોઇ તેને ગંદી ગાળો આપી રહ્યું છે પરંતુ કોઇ શિક્ષકને બચાવવા આગળ આવતું નથી. કોઇ શો ચાલતો હોય તેમ લોકો સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારતાં નજરે ચડે છે.