વેપાર મુદ્દે અમેરિકા સાથે ડીલની તૈયારીમાં ભારત, ટ્રમ્પ સરકારે આપી ઓફર

May 09, 2025

પહલગામ : ભારતે અમેરિકા સાથે પોતાનો ટેરિફ તફાવત ઘટાડી 4 ટકા સુધી કરવાની ઓફર મૂકી છે. હાલ ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ તફાવત આશરે 13 ટકા છે. સુત્રોના અહેવાલો અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે ટૂંકસમયમાં જ આ મામલે ડીલ થઈ શકે છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ બાદ ભારત સતત દ્વિપક્ષીય વેપાર સંબંધોમાં સુધારો કરવા અમેરિકા સાથે ચર્ચા કરી રહ્યું છે. ભારત 90 ટકા અમેરિકી ગુડ્સને પ્રેફરેન્શિયલ એક્સેસ આપવા તૈયાર છે. 


મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતના વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ અમેરિકા સાથે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર ચર્ચા કરવા આ મહિને વોશિંગ્ટન જશે. ગત મહિને વાણિજ્ય વિભાગના વિશેષ સચિવ અને મુખ્ય મધ્યસ્થી રાજેશ અગ્રવાલ અને દક્ષિણ-પશ્ચિમ એશિયા  માટે સહાયક અમેરિકી વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે દ્વિપક્ષીય વેપાર કરાર મામલે ત્રણ દિવસીય બેઠક કરી હતી. પ્રસ્તાવિત કરારમાં અમેરિકાની સાથે સાથે ભારત કપડાં, રત્ન-આભૂષણ, ચામડાનો સામાન, પરિધાન,પ્લાસ્ટિક, કેમિકલ, તલ, દ્રાક્ષ, કેળા જેવી ચીજોમાં ટેરિફ રાહત માગી રહ્યું છે. બીજી બાજુ અમેરિકા અમુક ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ, વાહનો, દારૂ, પેટ્રોકેમિકલ, ડેરી જેવી પ્રોડક્ટ્સમાં ટેરિફ છૂટ ઈચ્છે છે.