હુમલો રોકવામાં નિષ્ફળતા બદલ ઇઝરાયેલના આર્મી ચીફે રાજીનામું આપ્યું

January 22, 2025

ઇઝરાયેલી સેનાના આર્મી ચીફ હર્ઝી હેલેવીએ સાતમી ઓક્ટોબર 2023ના હમાસના હુમલાને રોકવામાં નિષ્ફળતા બદલ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. આ હુમલા બાદથી ગાઝા યુદ્ધ શરૂ થયું હતું. હમાસ અને ઇઝરાયેલ વચ્ચે અત્યારે યુદ્ધ વિરામ ચાલે છે.

એવા સમયે મંગળવારે ઇઝરાયેલના કબજાવાળા વેસ્ટ બેંકના જેનિન શહેર પર મોટી સૈન્ય કાર્યવાહી થઈ છે, જેમાં છ લોકોનાં મૃત્યુ અને 35 ઘાયલ થયા હોવાની પેલેસ્ટાઇનના આરોગ્ય મંત્રાલયે માહિતી આપી છે. ઇઝરાયેલી સેનાના ચીફ હર્ઝી હેલેવીએ યુદ્ધ વિરામ વચ્ચે મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.

તેમણે સાત ઓક્ટોબર 2023એ ઇઝરાયેલમાં થયેલા હમાસના હુમલા દરમિયાન સુરક્ષામાં ચૂકની જવાબદારી લઈને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. આઇડીએફ ચીફે પોતાના રાજીનામામાં કહ્યું કે તેમના નેતૃત્વમાં ઇઝરાયેલી સેના દેશની રક્ષા કરવાના પોતાના મિશનમાં નિષ્ફળ રહી છે. ઇઝરાયેલે ભારે કિંમત ચૂકવી. આ ભયાનક નિષ્ફળતા માટે મારી જવાબદારી દરેક દિવસે દરેક કલાકે મારી સાથે રહે છે.મારા જીવનના બાકી ભાગમાં પણ તે મારી સાથે રહેશે.