Breaking News :
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ગુજારાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, 38 દોષિતોની ફાંસીની સજા યથાવત ગુજરાતના 225 તાલુકામાં વરસાદ, વાપીમાં સવા 8 અને કામરેજમાં સાડા 7 ઇંચ, સુરત-નવસારીમાં શાળાઓ બંધ ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ

જામનગરના હાસ્ય કલાકાર વસંત પરેશનું 70 વર્ષની વયે નિધન, દેશ-વિદેશમાં વાગતો હતો ડંકો

December 19, 2024

જામનગર : જામનગરનું નામ હાસ્યરસ કલા ક્ષેત્રે દેશ-વિદેશમાં ગૌરવવંતુ કરનાર સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર પરેશ વસંત ‘બંધુ’નું નિધન થતાં એક હાસ્યયુગનો અંત આવી ગયો છે. લાખો લોકોને હસાવનાર આ અનોખા જિંદાદીલ અદાકારે આ ફાની દુનિયાને અલવિદા કરતાં જામનગર, સૌરાષ્ટ્ર અને ગુજરાતના કલાજગતમાં ગમગીનીનો સન્નાટો ફેલાવી દીધો છે. ખડખડાટ હસાવનાર કલાકારની વિદાયથી અનેક લોકોની આંખોમાં ઝળઝળીયા આવી ગયા છે. પરેશ વસંતની વિદાયથી હાસ્યરસ જગતમાં એક ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

પરેશ વસંતને કોલેજ કાળમાં શાયરીઓ લખવાનો જબરો શોખ હતો. તેમાં તેઓ કયાંક કયાંક વ્યંગ સાથે હાસ્ય ઉપજે તેવા શબ્દોનો પ્રયોગ પણ કરતા હતા. આ લાક્ષણિકતાના કારણે જામનગરના હાસ્ય કલાકાર- મિમિક્રી માસ્ટર વિનુ ચાર્લીએ હવાઈ ચોકમાં એક જાહેર સ્ટેજ શોમાં પરેશ વસંતને કાર્યક્રમનું સંચાલન કરવાની જવાબદારી સોંપી અને બસ તે દિવસથી પરેશ વસંતે પાછુ વાળીને જોયુ નથી. કાર્યક્રમોના સંચાલનમાં વચ્ચે વચ્ચે શાયરીઓ અને નાના-મોટા ટુચકાઓ રજુ કરતાં કરતાં તેઓ એક લોકપ્રિય હાસ્ય કલાકાર તરીકે સુવિખ્યાત થઈ ગયા.

‘વન મેન શો’ માં  સતત બેબ્બે, ત્રણ-ત્રણ કલાક સુધી પરેશ વસંતે એકલાએ સ્ટેજ પરથી હાસ્યરસનો ધોધ વહેડાવ્યો છે. ગુજરાત-સૌરાષ્ટ્રનું કોઈ ગામ-શહેર એવું નહીં હોય કે જયાં પરેશનો કાર્યક્રમ ન થયો હોય... ભારતના મુંબઈ, ચેન્નઈ, કલકતા બેંગ્લોર, હૈદ્રાબાદ જેવા અનેક શહેરોમાં તેમના માત્ર હાસ્યરસના સ્ટેજ શો થયા હતા. તેમણે અમેરિકા, ઈંગ્લેન્ડ, આરબ દેશો સહિત અનેક દેશોમાં કાર્યક્રમો રજુ કર્યા છે. 150થી વધુ કેસેટો, 50 થી વધુ ડીવીડી-વીસીડી પ્રસિદ્ધ થઈ છે.

ગુજરાતના મોટા ગજ્જાના ગણાતા લગભગ તમામ હાસ્યકલાકારો, લોક સાહિત્યના કલાકારો સાથે પરશ વસંતના અંગત સંબંધો હતા. અને સૌ કોઈ તેમને ખુબ જ સન્માન આપતા હતા. તેમાં શાહબુદ્દીનભાઈ હોય કે ધીરૂભાઈ સરવૈયા, ચીકુ ખરસાણી તો તેમના પરિવાર જેવા અંગત મીત્ર બની ગયા હતા. તેઓ 'બંધુ'ના ઉપનામથી વધારે પ્રચલિત હતા.

વસંત પરેશ 'બંધુ' નો એક અલગ જ પ્રકારનો અવાજ હતો. જે અવાજ કેસેટોના માધ્યમથી એક દાયકા સુધી ઠેર ઠેર, ધાબા, હોટલો, વાહનોમા ગુંજતો રહૃાો હતો. તેમના જામનગરના મિત્રોમાં હશુ બદીયાણી, નરભેરામભાઈ ઠકકર, સતત કોઈને કોઈ નવી આઈટમ આપતા રહૃાા હતાં.

પરેશ વસંત 'બંધુ'ના કાર્યક્રમોમાં તેઓ મોટાભાગે તેમના પત્નિના નામે જોકસ કરતા હતા. જેમ શાહબુદ્દીનભાઈનું વનેચંદનું પાત્ર જાણીતું હતું તેવી જ રીતે પરેશ વસંતે સર્જેલું ધીરૂનું પાત્ર પણ એટલું જ જાણીતુ થયું હતું. દિકરીની વિદાયનો પ્રસંગ રજુ કરતા ત્યારે પેટ પકડીને હસાવનાર આ કલાકાર પ્રેક્ષકોની આંખો છલકાવી દેતાં હતાં. તેમની શાયરીઓમાં પણ મોટાભાગે વેદના અને દર્દ સાથે વ્યંગ રજૂ થતા હતા. એક શાયરીમાં તેમણે લોકોની સમસ્યાની ચરમસીમા દર્શાવી દીધી હતી અને એક લાઈનમાં લખ્યુ હતું કે હવે તો સાપને પણ ઝેર પીવાનો સમય આવ્યો છે... તેમની શાયરીઓ- ગઝલની પુસ્તિકાઓ પણ પ્રસિદ્ધ થઈ હતી.