IPLના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન, પંજાબને હરાવ્યા બાદ કોહલી રડી પડ્યો

June 04, 2025

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીએ જીત બાદ કહ્યું કે, ડિવિલિયર્સને રિટાયર થયાને ભલે ચાર વર્ષ થયા પણ મેં કહ્યું હતું કે, આ ટીમ હજુ પણ તારી એટલી જ છે જેટલી અમારી છે. આજે અમારી સાથે ટ્રોફી ઉંચકવામાં તે પણ પૂરેપૂરો હકદાર છે. મારું દિલ બેંગલુરૂની સાથે છે. મારી આત્મા બેંગલુરૂની સાથે છે અને આ તે ટીમ છે જેના માટે હું પોતાની છેલ્લી આઈપીએલ મેચ સુધી રમીશ. એક ખેલાડી તરીકે તમે મોટી જીતનું સપનું જુઓ છો અને તે સપનું પૂર્ણ ન થઈ શકે. આજે હું એક બાળકની જેમ ઊંઘવા જઈ રહ્યો છું. IPL 2025માં પ્લેયર ઓફ ધ મેચ બનેલા કૃણાલ પંડ્યાએ કહ્યું કે, 'પરિસ્થિતિ જોઇને શીખવું એ મારી સૌથી મોટી તાકાત એ છે, મેં હંમેશા મારી અંતરાત્મા અને સહજતાને ટેકો આપ્યો છે. જ્યારે હું આરસીબીમાં જોડાયો ત્યારે મેં કહ્યું કે મને ટ્રોફી જીતવાનું ખૂબ ગમે છે. મને ખુશી છે કે મેં જે કહ્યું હતું તે હકીકતમાં કરી શક્યો. ખૂબ સારું રહ્યું - 10 વર્ષ, 4 IPL ટ્રોફી. મેં હાર્દિકને પણ ફોન પર કહ્યું હતું કે, પંડ્યા પરિવારમાં 10 વર્ષમાં 9 IPL ટ્રોફી હશે.' IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.