કચ્છ: ભચાઉ હાઈવે પર ચાર વાહનો વચ્ચે ગોઝારો અકસ્માત,માસૂમ બાળક સહિત બેના મોત

December 22, 2025

કચ્છ : કચ્છના ભચાઉ હાઈવે પર રવિવારે (21મી ડિસેમ્બર) રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કેસરી ગઢ રિસોર્ટ સામે ચાર વાહનો એકબીજા સાથે અથડાતા લાગેલી ભીષણ આગમાં એક વર્ષના માસૂમ બાળક અને એક ટ્રેલર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં એક દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગતો અનુસાર, રવિવારે રાત્રે એક કાર અને આઇસર ટેમ્પો વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં બંને વાહનોમાં આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર દંપતી કંઈ સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં તેમના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.

કાર અને આઇસર વચ્ચેના અકસ્માત બાદ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા બે ટ્રેલરો પણ અકસ્માતગ્રસ્ત વાહનો સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક ટ્રેલર ચાલકનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ ભચાઉ ફાયર ફાઈટરની ટીમ, 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.

ફાયર ટીમે પાણીનો મારો ચલાવી વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી. ગંભીર રીતે દાઝેલા અને ઈજાગ્રસ્ત થયેલા દંપતીને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા છે.

પોલીસે બંને મૃતકોના શબને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતને પગલે હાઈવે પર લાંબો સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ક્રેઈનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને ખસેડી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.