સાણંદ નજીક દારૂ ભરેલી ટ્રક પલટી મારી: રોડ પર બોટલોનો ખડકલો થતાં લોકોએ લૂંટવા પડાપડી કરી

December 23, 2025

અમદાવાદ : અમદાવાદ જિલ્લાના સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ રોડ પાસે આજે વિદેશી દારૂ ભરેલી એક ટ્રક પલટી મારી જવાની ઘટના બની હતી. અકસ્માતને પગલે રસ્તા પર દારૂની બોટલો વિખેરાઈ જતા સ્થાનિક લોકોમાં પડાપડીના દ્રશ્યો સર્જાયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાજસ્થાન પાસિંગની એક ટ્રક દારૂનો જથ્થો ભરીને સાણંદના મુનિ આશ્રમ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ટ્રક પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રોડ પર વેરવિખેર થઈ ગઈ હતી.

રોડ પર દારૂની બોટલો જોઈને આસપાસના લોકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા અને દારૂની બોટલો મેળવવા માટે પડાપડી કરવા લાગ્યા હતા. જોકે, ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભીડને દૂર કરી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી અને રોડ પર પડેલા મુદ્દામાલનો કબજો મેળવ્યો હતો.