મહુઆ મોઈત્રાનું સાંસદ તરીકેનું સભ્યપદ રદ : પૈસા લઈને સદનમાં સવાલ પૂછવાના કેસમાં કાર્યવાહી

December 08, 2023

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હવે મહુઆ મોઈત્રાનું સાંસદ પદે જળવાઈ રહેવું યોગ્ય નથી
.
દિલ્હી- મહુઆ મોઈત્રા વિરુદ્ધ રજૂ કરાયેલા રિપોર્ટે તેમની મુશ્કેલી વધારી દીધી છે. આ મામલે મહુઆ મોઈત્રા વિરુદ્ધ ગૃહમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. લોકસભામાં એથિક્સ કમિટીના રિપોર્ટની તરફેણમાં આ પ્રસ્તાવ પાસ થતાં મહુઆ મોઈત્રાને બરતરફ કરી દેવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે હવે મહુઆ મોઈત્રાનું સાંસદ પદે જળવાઈ રહેવું યોગ્ય નથી. તેમનું આચરણ અનૈતિક હતું.


BJP સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા વિરુદ્ધ ઓક્ટોબરમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા એક ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ મોઈત્રાએ આરોપોને રદીયો આપ્યો હતો અને તેમના પર લાગેલા આરોપોની તપાસ કરવા સમિતિ રચવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી છે. મહુઆ મોઇત્રા પર બિઝનેસમેન દર્શન હીરાનંદાણી પાસેથી પૈસા લઈને અદાણી અંગે લોકસભામાં સવાલો પૂછવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો. આ મામલે તેમના પર બિઝનેસમેન પાસેથી પૈસા અને ગિફ્ટ્સ પણ લેવાના આરોપ લાગ્યા હતા. ત્યારબાદ ભાજપના સાંસદના આરોપો બાદ મહુઆએ એ વાત પણ સ્વીકારી હતી કે તેમણે બિઝનેસમેનને તેમના સંસદના લોગઈન અને પાસવર્ડ આપ્યા હતા.