આંધ્રપ્રદેશના જંગલોમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, હિડમા બાદ વધુ 7 નક્સલીઓ ઠાર

November 19, 2025

બુધવારે સવારે આંધ્ર પ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના મારેડુમિલ્લી અને જી.એમ. વાલસાના જંગલોમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં 7 નક્સલીઓ માર્યા ગયા છે. મંગળવારથી શરૂ કરાયેલા સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ઈન્ટેલિજન્સ એડીજી મહેશ ચંદ્ર લડ્ડાએ પ્રેસ કોન્ફરન્સમાં પુષ્ટિ કરી હતી કે અથડામણ દરમિયાન 4 પુરુષ અને 3 મહિલા નક્સલીઓ ઠાર થયા છે. મૃત્યુ પામેલા નક્સલીઓમાં સંગઠનનો ટોચનો ઇન્ટેલિજન્ટ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ(IED) એક્સપર્ટ મેત્તુરુ જોગારાવ ઉર્ફે ટેક શંકર પણ હતો. તે આંધ્ર-ઓડિશા બોર્ડર સ્પેશિયલ ઝોનલ કમિટી (AOBSZC)નો એક મહત્ત્વપૂર્ણ સભ્ય હતો અને ટેક્નિકલ ઓપરેશન્સ માટે મુખ્યત્વે જવાબદાર ગણાતો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી, આંધ્ર-ઓડિશા બોર્ડર વિસ્તારમાં નક્સલી ગતિવિધિઓ વધી રહી હોવાના અહેવાલો હતા. મળતી જાણકારી અનુસાર, નક્સલીઓ જંગલોની અંદર નવા ઠેકાણાઓ ઊભા કરી રહ્યા હતા, પોતાના કેડરને ફરી સક્રિય કરી રહ્યા હતા અને છત્તીસગઢ તરફથી નવા જૂથો રાજ્યની સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એડીજી લડ્ડાએ માહિતી આપી કે અગાઉ 17 નવેમ્બરે પણ સુરક્ષા દળોએ મારેડુમિલ્લી વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી હતી, જેમાં કુખ્યાત નક્સલી નેતા હિડમા સહિત છ નક્સલીઓ ઠાર થયા હતા. તેમની પાસેથી મળેલી ગુપ્ત માહિતીને કારણે સંયુક્ત ટીમોને AOB વિસ્તારમાં ફેલાયેલા નક્સલી નેટવર્ક પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની દિશા મળી, જેના પગલે સતત ઘણા જિલ્લાઓમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યા.