મણિપુર હિંસા: ગૌહાટી હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચની રચના

June 04, 2023

પૂર્વ IAS અધિકારી હિમાંશુ શેખર દાસ અને પૂર્વ IPS અધિકારી આલોક પ્રભાકર પણ કમિશનમાં સામેલ
મણિપુર- મણિપુરમાં હિંસાની ઘટનાની તપાસ કરવા માટે સરકારે ગૌહાટી હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અજય લાંબાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની તપાસ પંચની રચના કરી હતી. પૂર્વ IAS અધિકારી હિમાંશુ શેખર દાસ અને પૂર્વ IPS અધિકારી આલોક પ્રભાકર પણ કમિશનમાં સામેલ છે.


નોટિફિકેશનમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, 3 મે 2023ના રોજ મણિપુર રાજ્યમાં મોટા પાયે હિંસા ફાટી નીકળી હતી અને હિંસાના પરિણામે રાજ્યના કેટલાય રહેવાસીઓએ જીવ ગુમાવ્યા હતા અને ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આગના પરિણામે તેમના ઘરો અને મિલકતો બળીને ખાખ થઇ ગયા હતા.


નોટિફિકેશનમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, મણિપુર સરકારે કમિશન ઑફ ઈન્ક્વાયરી એક્ટ, 1952ની જોગવાઈઓ હેઠળ 29 મે, 2023ના રોજ કમિશન ઑફ ઈન્ક્વાયરીની સ્થાપના કરવા માટે ભલામણ કરી હતી. કેન્દ્ર સરકાર, મણિપુર સરકારની ભલામણ પર, એવો અભિપ્રાય ધરાવે છે કે, મણિપુરમાં હિંસાની ઘટનાઓ એટલે કે જાહેર મહત્વની ચોક્કસ બાબતની તપાસ કરવા માટે તપાસ પંચની નિમણૂક કરવી જરૂરી છે.