ગૂગલની મોટાપાયે છટણીની જાહેરાત, એઆઈ સાથે સ્પર્ધા કરવા ઘણી પોસ્ટ દૂર કરાશે

December 20, 2024

ન્યુ યોર્ક ઃ વિશ્વની દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલે મોટાપાયે છટણી કરવાની જાહેરાત કરી છે. ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ અંગે જણાવ્યું હતુ કે, કંપનીમાં મેનેજિરિયલ અને ડિરેક્ટર્સની ભૂમિકા સહિત વાઈસ પ્રેસિડન્ટના પદ પર 10 ટકા છટણી કરવામાં આવશે. આ સિવાય અન્ય પદો પર પણ છટણી કરવામાં આવશે. આ છટણી એઆઈની વધતી સ્પર્ધાના કારણે થઈ રહી હોવાનું જણાવ્યું છે.


ગૂગલના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 10 ટકા નોકરીઓમાંથી કેટલીક વ્યક્તિગત યોગદાન આપતી ભૂમિકાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેમજ કેટલાક પદોને દૂર કરવામાં આવ્યા છે. ગૂગલમાં આ છટણી AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સ્પર્ધકો જેમ કે OpenAIને કારણે કરવામાં આવી છે. જે નવી પ્રોડક્ટ્સ લાવી રહી છે, જેની અસર ગૂગલના સર્ચ એન્જિન બિઝનેસ પર પડી શકે છે. OpenAIને આકરી ટક્કર આપવા ગૂગલે તેના મુખ્ય બિઝનેસમાં જનરેટિવ AI સુવિધાઓનો સમાવેશ કર્યો છે. તેણે OpenAIના પ્રારંભિક પરીક્ષણ સાથે સ્પર્ધા કરવા એક નવા એઆઈ વીડિયો જનરેટર અને તેની વિચાર પ્રક્રિયાને પ્રતિબિંબિત કરતું "તર્ક" મોડલ સહિત જેમિની મોડલનો નવો સેટ સહિત અનેક નવી AI સુવિધાઓ લોન્ચ કરી છે.


સુંદર પિચાઈના જણાવ્યા અનુસાર, ગૂગલે કંપનીને કાર્યક્ષમ બનાવવા અને તેના માળખાને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ફેરફારો કર્યા છે. છેલ્લા બે વર્ષમાં ગૂગલે કાર્યક્ષમતા વધારવા માટે અનેક પગલાં લીધાં છે. આ ફેરફાર હેઠળ ગૂગલ મેનેજર, ડાયરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટની પોસ્ટ દૂર કરશે. અગાઉ સપ્ટેમ્બર 2022માં પિચાઈએ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે ગૂગલ 20 ટકા વધુ કાર્યક્ષમ બને. જાન્યુઆરીમાં ગૂગલમાં 12,000 નોકરીઓ દૂર કરવામાં આવી હતી.