સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીનો ખેલ: 4 મહિનામાં 102 ખાણો પકડાઈ, છતાં માફિયાઓ પોલીસની પકડથી દૂર!

January 30, 2026

20 જેટલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો, 15 ચરખી અને કરોડોની કિંમતનો કાર્બોસેલ.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરીનું દૂષણ ડામવા માટે SOG (Special Operations Group)ની ટીમ એક્શન મોડમાં આવી છે. સાયલાના ચોરવિરા વિસ્તારમાં સતત બીજા દિવસે દરોડા પાડીને ટીમે કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કર્યો છે. જોકે, આખી કામગીરીમાં પોલીસ સાધનો પકડે છે પણ આરોપીઓ હાથ આવતા નથી, જે અનેક સવાલો ઉભા કરે છે. SOGએ દરડો પાડતા સ્થાનિક પોલીસ અને ખાણ ખનિજની ટીમની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે. ખાણોમાં જોખમી રીતે કામ કરતા 50 જેટલા મજૂરોનું કામગીરી દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની આ ઘટનાઓએ એક આશ્ચર્યજનક પેટર્ન ઉભી કરી છે. દર વખતે પોલીસ દરોડા પાડીને ચરખીઓ, વાહનો અને ખનીજ જપ્ત કરે છે, પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો કે ખાણ માલિકો ભાગ્યે જ પકડાય છે.


સ્થાનિક પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની ભૂમિકા શંકાના દાયરામાં છે. સતત દરોડા છતાં ખનીજ માફિયાઓમાં કાયદાનો કોઈ ડર દેખાતો નથી, જે તંત્રની રહેમનજર તરફ આંગળી ચીંધે છે. વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવેલી કામગીરીના આંકડા જોઈએ તો ખનીજ ચોરી કેટલી વ્યાપક છે તેનો અંદાજ આવે છે.