ગુમ ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોત થયાની પુષ્ટિ

June 20, 2025

અમદાવાદ- અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મોત થયા છે. આ દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ થયું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર ન હતો. 


સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવાર જણાવ્યું હતું. આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે. 


અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલા ઘરેથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હૉસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકભાઈએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતાં અંતે મહેશનું મોત થયું હોવાની પુષ્ટિ થઈ છે.


મહેશ જીરાવાલા ગુજરાતના નરોડા વિસ્તારના રહેવાસી છે અને લાંબા સમયથી ફિલ્મ અને સંગીત વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ તેમના પ્રોડક્શન હાઉસ 'મહેશ જીરાવાલા પ્રોડક્શન્સ'ના સીઈઓ છે. મહેશ મુખ્યત્ત્વે ગુજરાતી ભાષામાં મ્યુઝિક વીડિયો અને શોર્ટ ફિલ્મો બનાવે છે