મોદી પાછળ જોઈને કાર ચલાવી રહ્યા છે - ટ્રેન દુર્ઘટના પર સવાલ પૂછશો તો કહેશે કે કોંગ્રેસે 50 વર્ષ પહેલાં આવું કર્યું હતું : રાહુલ

June 05, 2023

ન્યુ યોર્ક  : રાહુલ ગાંધીએ તેમની યુએસ મુલાકાતના છઠ્ઠા દિવસે ન્યૂયોર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ ન્યૂયોર્કના જેવિટ્સ સેન્ટરમાં થયો હતો. રાહુલને સાંભળવા માટે 5 હજાર NRI એકઠા થયા હતા. રાહુલે અહીં 26 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. રાહુલના ભાષણ પહેલાં ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાહુલ ગાંધીએ ભારતીય પ્રવાસીઓને કહ્યું કે વડાપ્રધાન મોદી દેશને પાછળ લઈ જઈ રહ્યા છે. તેમણે કહ્યું- તમે બધા આ કાર્યક્રમમાં કારમાં બેસીને આવ્યા હતા, જો તમે માત્ર રિયર વ્યૂ મિરરમાં જોઈને જ ગાડી ચલાવશો તો શું તમે બરાબર ડ્રાઈવ કરી શકશો. એક પછી એક અકસ્માતો થશે. પરંતુ પીએમ મોદી દેશને આ રીતે ચલાવી રહ્યા છે. તેઓ માત્ર પાછળની તરફ જોઈ રહ્યા છે અને પછી આશ્ચર્ય થાય છે કે અકસ્માતો બાદ અકસ્માતો કેમ થઈ રહ્યા છે.

ટ્રેન અકસ્માત મામલે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું- 270+ મૃત્યુ પછી પણ કોઈ જવાબદાર નહીં! મોદી સરકાર આવા દર્દનાક અકસ્માતની જવાબદારી લેવાથી ભાગી શકે નહીં. વડાપ્રધાને તાત્કાલિક રેલ્વે મંત્રીનું રાજીનામું લેવું જોઈએ!