મોરબીનો યુવક રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો, વીડિયો શેર કરી કહ્યું-મને બળજબરીપૂર્વક ધકેલાયો

December 22, 2025

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં હવે ગુજરાતનો વધુ એક યુવક ફસાયો છે. મોરબીના રહેવાસી સાહિલ મોહમ્મદ હુસૈન નામના યુવકે યુક્રેન સરહદેથી એક વીડિયો શેર કરી પોતાની આપવીતી જણાવી છે. સાહિલનો આરોપ છે કે તેને રશિયામાં ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી, બ્લેકમેલ કરીને બળજબરીપૂર્વક રશિયન સેનામાં ભરતી કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, સાહિલ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. ત્યાં તે પોતાનો ખર્ચ કાઢવા માટે એક કુરિયર કંપનીમાં પાર્ટ-ટાઈમ નોકરી કરતો હતો. એક દિવસ રશિયાની પોલીસે તેને પકડી લીધો અને તેના પર ડ્રગ્સ સ્મગલિંગનો ખોટો આરોપ લગાવ્યો. તેને ધમકી આપવામાં આવી કે જો તે રશિયન સેનામાં જોડાવાના કરાર પર સહી નહીં કરે, તો તેને લાંબી જેલની સજા થશે.