ભારત સાથે યુદ્ધનું મ્યાંમાર-બાંગ્લા.નું કાવતરું

October 02, 2023

મણિપુરમાં હિંસા ભડકાવીને ભારત સાથે યુદ્ધ છેડવાનું સીમા પારથી મ્યાંમાર તેમજ બાંગ્લાદેશ દ્વારા કાવતરું રચવામાં આવ્યું હોવાનું NIAની તપાસમાં જણાઈ આવ્યું છે. મ્યાંમાર તેમજ બાંગ્લાદેશનાં આતંકી સંગઠનો દ્વારા મણિપુરનાં ઉગ્રવાદીઓને મોટાપાયે શસ્ત્રો તેમજ દારૂગોળો પૂરો પાડવામાં આવ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

મણિપુરનાં ચૂરાચાંદપુરથી NIA દ્વારા એક શકમંદ આતંકીને પકડવામાં આવ્યો છે અને તેની પૂછપરછ કરાઈ રહી છે. મ્યાંમાર અને બાંગ્લાદેશનાં આતંકી સંગઠનોએ મણિપુર ખાતે હિંસાની આડમાં ભારત સામે યુદ્ધ છેડવાની તૈયારી કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું એનઆઈએનાં અધિકારીઓએ જણાવ્યું હતું. એનઆઈએ દ્વારા પકડવામાં આવેલા શકમંદ આતંકીની ઓળખ સેમિનલુન ગંગટે તરીકે કરવામાં આવી છે.

જે મણિપુરમાં આતંક અને હિંસા ફેલાવતા આતંકી સંગઠનો સાથે સાઠગાંઠ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. એનઆઈએ દ્વારા મણિપુર હિંસા ભડક્યા પછી સુઓમોટો નોંધ લઈને સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી. મણિપુર છેલ્લા 4 મહિનાથી આતંક અને હિંસાની આગમાં સળગી રહ્યું છે.

3 મેથી ત્યાં એક તરફ મૈતી અને બીજી તરફ નાગા કૂકી સમુદાય વચ્ચેની હિંસાએ વિકરાળ રૂપ લીધું છે. હિંસામાં અત્યાર સુધીમાં 180થી વધુનાં મોત થયા છે. કરોડોની સરકારી તેમજ ખાનગી માલમિલકતને નુકસાન થયું છે. હજારો ઘર સળગાવવામાં આવતા હજારો લોકો ઘરબારવિહોણા થઈ ગયા છે.